SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક સફળતા: સૌપ્રથમવાર સફળ TKR સર્જરી કરાઈ

8 વર્ષના દુખાવાનો અંત: આઠ-આઠ વર્ષથી વૉકરના સહારે જીવતા 75 વર્ષીય વૃદ્ધ દર્દીને મળ્યું નવજીવન.

તા.13/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

8 વર્ષના દુખાવાનો અંત: આઠ-આઠ વર્ષથી વૉકરના સહારે જીવતા 75 વર્ષીય વૃદ્ધ દર્દીને મળ્યું નવજીવન, ગુજરાત સરકારના આરોગ્ય તંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર તબીબી સેવાઓ પહોંચાડવાના ભગીરથ પ્રયાસોના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના તબીબી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. સુરેન્દ્રનગર સ્થિત મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ ખાતે પ્રથમ વખત ઘૂંટણના સાંધા બદલવાની જટિલ સર્જરી (Total Knee Replacement – TKR) સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. મધ્યપ્રદેશના વતની ૭૫ વર્ષીય રામનરેશ સિંહ છેલ્લા ૮ થી ૯ વર્ષથી ઘૂંટણના અસહ્ય દર્દથી પીડાતા હતા. ઉંમર અને સાંધાના ઘસારાને કારણે તેમનું ચાલવું સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું અને તેઓ વૉકર પર નિર્ભર બની ગયા હતા. અનેક જગ્યાએ તબીબી સલાહ મેળવવા છતાં ઉંમરના જોખમને કારણે સર્જરી ટાળવાની કે નિષ્ફળતાની શક્યતાઓ દર્શાવાઈ હતી. ઉપરાંત, ખાનગી હોસ્પિટલોનો મોટા ખર્ચ વહન કરવો આ સામાન્ય પરિવાર માટે અશક્ય હતો. આ નિરાશા વચ્ચે પરિવારે સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક સિવિલ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડૉ. દીપ પટેલ અને તેમની નિષ્ણાત ટીમે દર્દીની ગંભીર સ્થિતિને પ્રાથમિકતા આપી અત્યાધુનિક ઓપરેશન થિયેટરમાં જટિલ TKR સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ખાનગી ક્ષેત્રમાં હજારો-લાખો રૂપિયાના ખર્ચે થતી આ સર્જરી દર્દીને સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. સર્જરી બાદની યોગ્ય ફિઝિયોથેરાપી, દવાઓ અને હોસ્પિટલના પેરામેડિકલ સ્ટાફની કાળજીના પરિણામે રામનરેશ સિંહના સ્વાસ્થ્યમાં ઝડપી અને આશ્ચર્યજનક સુધારો જોવા મળ્યો હતો. વર્ષો સુધી પથારીવશ અને વૉકરના તાબે રહેલા આ વૃદ્ધ દર્દી જ્યારે પોતાના પગ પર કોઈ પણ આધાર વગર ચાલવા લાગ્યા, ત્યારે તેમના પરિવારજનોની ખુશી અપાર હતી. પોતાના દાદાજીને પુનઃ સ્વાવલંબી અને સક્ષમ બનેલા જોઈને તેમની પૌત્રી રિયાએ ભાવુક હૃદયે જણાવ્યું હતું કે, અમારા પરિવાર માટે આ ચમત્કારથી કમ નથી. છેલ્લા ૮-૯ વર્ષથી દાદાજી સતત પીડા ભોગવતા હતા અને અનેક જગ્યાએથી નિરાશ થયા બાદ અમે અહીં આવ્યા હતા. ડૉ. દીપ સર અને સિવિલ હોસ્પિટલના સ્ટાફે જે રીતે પરિવારના સભ્યની જેમ સંભાળ રાખીને ઓપરેશન સફળ બનાવ્યું છે, તે બદલ અમે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ અને ગુજરાત સરકારના આજીવન ઋણી રહીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની મર્યાદિત સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ આ TKR સુવિધા હવે સુરેન્દ્રનગરમાં શરૂ થતાં સ્થાનિક અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને ઘરઆંગણે જ વિનામૂલ્યે સારવાર મળી રહેશે. હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમારે આ સિદ્ધિ બદલ તબીબી અને પેરામેડિકલ ટીમની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે. જટિલ ઓપરેશનની સુવિધા સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ થવાથી સ્થાનિક અને આસપાસના વિસ્તારના દર્દીઓને ઘરઆંગણે જ વિનામુલ્યે અદ્યતન સારવાર મળી શકશે. જેથી ખાનંગી હોસ્પિટલમાં થતાં નાણાકીય ખર્ચાઓથી રાહત મળશે.

Back to top button
error: Content is protected !!