સુરેન્દ્રનગર જિલ્લામાં કેરાળા ખાતે રૂ.18.45 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા કક્ષાના રમત સંકુલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
આધુનિક રમતગમત સુવિધાઓથી સજ્જ સંકુલ સુરેન્દ્રનગરના ખેલાડીઓ માટે બનશે નવી તકોનું કેન્દ્ર, મહાનગરોમાં ઉપલબ્ધ રમતગમતની આધુનિક સુવિધાઓ હવે જિલ્લા કક્ષાએ પણ ઉપલબ્ધ

તા.13/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
આધુનિક રમતગમત સુવિધાઓથી સજ્જ સંકુલ સુરેન્દ્રનગરના ખેલાડીઓ માટે બનશે નવી તકોનું કેન્દ્ર, મહાનગરોમાં ઉપલબ્ધ રમતગમતની આધુનિક સુવિધાઓ હવે જિલ્લા કક્ષાએ પણ ઉપલબ્ધ
ગુજરાત રાજ્યમાં રમતગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને અત્યાધુનિક તાલીમ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રમતગમત ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કેરાળા ખાતે રૂ. ૧૮.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા કક્ષાના રમત સંકુલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ સી. યુ. શાહ મેડિકલ હોલ, જી.આઈ.ડી.સી. ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા ખેલાડીઓ ગાંધીનગર ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમ સાથે સીધા વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. વઢવાણ તાલુકાના કેરાળા ખાતે રૂ. ૧૮.૪૫ કરોડના માતબર ખર્ચે સાકાર થયેલું આ જિલ્લા કક્ષાનું રમત સંકુલ આધુનિક રમતગમત સુવિધાઓથી સજ્જ છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેલાડીઓને ગુણવત્તાયુક્ત તાલીમ, પ્રેક્ટિસ તથા રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટેનું સશક્ત માળખું પૂરું પાડશે આ પ્રસંગે સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ખેલ મહાકુંભ’ જેવા અભિયાનોના પરિણામે ગુજરાતના ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાંથી પણ અનેક રમત પ્રતિભાઓ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ ઉભરી આવી રહી છે. કેરાળા ખાતે તૈયાર થયેલું આ આધુનિક રમત સંકુલ સુરેન્દ્રનગર જિલ્લાના ખેલાડીઓ માટે નવી તકોના દ્વાર ખોલશે. કેરાળા ખાતેના આ રમત સંકુલમાં સેન્ટ્રલ એ.સી. ઇન્ડોર હોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન, શૂટિંગ રેન્જ તથા આધુનિક જિમ્નેશિયમ સહિતની વિવિધ ઇન્ડોર સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ખેલાડીઓને વિવિધ રમતો માટે જરૂરી આઉટડોર સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અગાઉ આવી આધુનિક રમતગમત સુવિધાઓ મોટાભાગે મહાનગરો પૂરતી મર્યાદિત હતી, પરંતુ રાજ્ય સરકારના પ્રયાસોથી હવે જિલ્લા કક્ષાએ પણ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ તાલીમ અને રમતગમતનું માળખું ઉપલબ્ધ બની રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કેરાળા ખાતે જ આગામી સમયમાં રૂ. ૨૨ કરોડના ખર્ચે ડિસ્ટ્રિક્ટ સાયન્સ મ્યુઝિયમ પણ સાકાર થવા જઈ રહ્યું છે. ‘શક્તિદૂત ૨.૦’ યોજનાની વિશેષતાઓ અંગે માહિતી આપતાં ઉમેર્યું હતું કે, આ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મેળવતા ખેલાડીઓને આપવામાં આવતી આર્થિક સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ. ૨૫ લાખ સુધીની મળતી સહાય હવે વધારીને રૂ. ૫૦ લાખ કરવામાં આવી છે. સાથે જ યોજનાનો લાભ વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ સુધી પહોંચે તે માટે વયમર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે ૯ વર્ષથી ઉપરના પ્રતિભાશાળી ખેલાડીઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સનું ભારત યજમાન બને તેવા વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતના ખેલાડીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખેલાડીઓને શોધવા, તેમની પ્રતિભાને ઘડવા, શ્રેષ્ઠ તાલીમ આપવા તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગળ વધવા માટે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણે સ્વાગત પ્રવચન કર્યું હતું. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે મેયર રાકેશભાઈ રાઠોડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, દેવાંગ રાવલ, જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી, ડીવાયએસપી પાર્થ પરમાર, યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો, અધિકારીઓ, મોટી સંખ્યામાં ખેલાડીઓ તથા રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.





