GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના મધવાસમાં દુર્ઘટના: રાજપુતાના સ્ટીલ કંપનીમાં સલામતીના અભાવે હેલોજન લાઈટ માથે પડતા કામદારનું મોત.

તારીખ ૧૩/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મધવાસ ખાતે આવેલી રાજપુતાના સ્ટીલ પ્રા.લી. કંપનીમાં સુરક્ષા અને સલામતીના સાધનોનો ઘોર અભાવ હોવાની ગંભીર બાબત સામે આવી છે. કંપનીમાં કામ કરતા શ્રમિકોના જીવ જોખમમાં મૂકાયા હોય તેવી સ્થિતિ વચ્ચે માથા પર હેલોજન લાઈટ પડતાં એક શ્રમિકનું ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મળતી વિગતો અનુસાર, મૂળ ઝારખંડના બક્ચંબા તા.રાજપુર ચતરા જિલ્લાના અને હાલ રાજપુતાના સ્ટીલ કંપનીની કોલોની (મધવાસ) ખાતે રહેતા ખિરોધર ગણેશ પ્રજાપતિ (ઉં.વ. ૫૬) કંપનીમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કંપનીમાં ઉપર લગાવેલ એક હેલોજન લાઈટ અચાનક શ્રમિકના માથા પર આવી પડી હતી. શ્રમિકે માથામાં સલામતી માટેનું હેલ્મેટ પહેરેલ ન હોવાથી તેમને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કમનસીબ મોત નીપજ્યું હતું.

સ્થાનિક વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ, આ કંપનીમાં સલામતીના સાધનો (Safety Gear)નો મોટો અભાવ જોવા મળે છે, જેના કારણે અહીં કામ કરતા કર્મચારીઓના જીવ સતત જોખમમાં રહે છે. અગાઉ પણ સેફ્ટી સાધનોની ઉણપને કારણે બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જવાથી મરણ પામ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે કંપની તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ ઘટના અંગે સંદીપકુમાર રામસેવક ઠાકુર દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોત BNSS કલમ-૧૭૪ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટર ની ભુમિકા ખુબ મહત્વની બની રહે છે.ફેક્ટરી ઇન્સ્પેક્ટર મુખ્યત્વે ઔદ્યોગિક સલામતી, આરોગ્ય અને કામદારોના શારીરિક રક્ષણ (Safety & Health standards) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફેક્ટરીઝ એક્ટ મુજબ મશીનરી સુરક્ષિત છે કે નહીં, મશીનો પર ગાર્ડ્સ (Fencing) લગાડેલા છે કે નહીં, અને કામદારોને સેફ્ટી કિટ આપી છે કે નહીં તેનું નિયમિત નિરીક્ષણ કરવુ. ફેક્ટરીમાં કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિ થાય ત્યારે સ્થળ તપાસ કરવી અને અકસ્માતનું કારણ શોધવું.સુધારાત્મક નોટિસ (Improvement Notice): જો કંપનીમાં સલામતીના નિયમોનું પાલન ન થતું હોય, તો માલિકને નોટિસ આપવી અને ચોક્કસ મુદતમાં ખામીઓ સુધારવાનો હુકમ કરવો.કોર્ટ કેસ અને દંડ (Prosecution): સુરક્ષાના નિયમોનો ગંભીર ભંગ જોવા મળે તો ફેક્ટરીના માલિક (Occupier) અને મેનેજર સામે લેબર કોર્ટ કે મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કરવો. જેવી મહત્વની જવાબદારી ફેક્ટરી ઇન્સ્પેક્ટર ની હોય છે ત્યારે રાજપુતાના સ્ટીલ કંપની માં ફેક્ટરી ઇન્સ્પેક્ટર ની વિઝિટ થઈ છે ખરી? કે માત્ર કાગળ ઉપર જ વિઝિટ બતાવવામાં આવે છે તેવો પ્રશ્ન ઉઠ્યો છે. ગમે તે કારણ હોય પણ ૫૬ વર્ષીય કામદાર નુ સેફ્ટી સાધનો ના અભાવે મોત થવાથી તેના પરિવારજનો સાથે યોગ્ય ન્યાય મળે અને ઉચિત વળતર મળે તે જોવાની જવાબદારી પણ બની રહે છે.ફેક્ટરીઝ એક્ટ અને શ્રમ કાયદા મુજબ કામદારોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવું એ માલિક/કંપનીની કાનૂની જવાબદારી છે.જૂના કે તૂટી ગયેલા સાધનોને સમયસર બદલી આપવાની અને સાધનોના ઉપયોગ માટે કામદારોને યોગ્ય તાલીમ (Training) આપવાની જવાબદારી કંપનીની છે. કંપનીએ કામદારોને જરૂરી સલામતી સાધનો (જેમ કે સેફ્ટી હેલમેટ, ગોગલ્સ, ગ્લોવ્ઝ, સેફ્ટી શૂઝ, માસ્ક, ઈયર પ્લગ, હાર્નેસ વગેરે) તદ્દન મફતમાં પૂરા પાડવાના રહે છે. કામદાર પાસેથી આ સાધનો માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ કે ડિપોઝિટ વસૂલ કરી શકાતી નથી. ત્યારે ત્રણ વર્ષ પહેલા હેલ્મેટ આપ્યું હતું તેવો કંપનીના કર્મચારી નો જવાબ ઘણો સૂચક છે.અમે હેલ્મેટ આપ્યો હતો પણ મૃતક કર્મચારીએ હેલ્મેટ પહેર્યો નહોતો. અમરીશ બેદાડે. રાજપુતાના કંપની ના અધિકૃત અધિકારી.અમોને બે ત્રણ વર્ષ પહેલા હેલ્મેટ આપવામાં આવ્યા હતા.હાલ કોઈ સલામતી ના સાધન આપ્યા નથી. હેલ્મેટ આપ્યાની વાત ખોટી છે. સંદીપકુમાર ઠાકુર. જાણવા જોગ નોંધ આપનાર કર્મચારી.

Back to top button
error: Content is protected !!