ચોટીલા-લીંબડી હાઈવે પર ગેસ ટેન્કરમાં ભીષણ આગ: ડ્રાઈવરનો આબાદ બચાવ, હાઈવે પર ચક્કાજામ

તા.13/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા- લીંબડી- અમદાવાદ નેશનલ હાઇવે પર વડોદ ગામના પાટિયા પાસે ગેસ ભરેલા એક ટેન્કરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. ટેન્કરમાં આગ લાગતા જ ડ્રાઈવરે સમયસૂચકતા દાખવીને તાત્કાલિક બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. ગેસ ભરેલા ટેન્કરમાં આગના કારણે હાઇવેની બંને તરફ વાહનવ્યવહાર થંભી ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી લીંબડી, ચોટીલા અને સુરેન્દ્રનગર ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ટેન્કરમાં ગેસ હોવાથી વિશેષ સાવચેતી સાથે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ ટેન્કરને હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાની અંગે પોલીસ અને ફાયર વિભાગની તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.




