ગાંધીધામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાકક્ષાની વિશાળ તિરંગા યાત્રા યોજાઈ
ગાંધીધામ ખાતે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા અને શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
૦૦૦૦
સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ સહિત ધારાસભ્ય ઓ અને મહાનુભાવોની પ્રેરક ઊપસ્થિત.
વિવિધ સમાજ અને સેવાભાવી સંસ્થાઓએ પુષ્પવર્ષા કરીને તિરંગા યાત્રાને આવકારી.
તિરંગા યાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, સશસ્ત્ર દળો, વિવિધ સમાજો સહિત સેવાભાવી સંસ્થાઓની વિશાળ હાજરી.
‘વંદે માતરમ્… મા ભારતી’ના નારાઓથી ગાંધીધામ શહેર ગૂંજી ઉઠ્યું.
ગાંધીધામ ,તા-૧૪ ઓગસ્ટ : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા ગાંધીધામ ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા અને શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાઈ હતી. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના માહોલ વચ્ચે ઉપસ્થિત વિશાળ જનમેદનીને ઝંડા ચોક ખાતેથી સંબોધન કરતાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી આજે આપણે તિરંગા યાત્રામાં સહભાગી થઈને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. યુવાનોને દેશની અમૂલ્ય મૂડી ગણાવીને રાજ્યમંત્રી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. દેશની પ્રગતિમાં જ આપણા સૌની પ્રગતિ છે એ વાતને જ પ્રાથમિકતા આપીને રાષ્ટ્રપ્રથમની જવાબદારીનું વહન કરવા રાજ્યમંત્રી એ જણાવ્યું હતું. બહોળી સંખ્યામાં નાગરિકોની તિરંગા સાથેની ઉપસ્થિતિ રાજ્યમંત્રી એ બિરદાવી હતી. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, દેશની પ્રાપ્ત થયેલી આઝાદી અમૂલ્ય છે. રાજ્યમંત્રી ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવીને ઉમેર્યું હતું કે, વિભાજનની પીડા શું હોય તે ગાંધીધામ શહેર જેટલું કોઈ જ ન સમજી શકે. તેઓએ આઝાદી સમયે ભાગલા અને ગાંધીધામ શહેરની સ્થાપનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ મહાનગર અનેક પીડાઓ સહન કરીને આજે વિકાસના પંથે અવિરત દોડી રહ્યું છે. ગાંધીધામ શહેરના વિકાસનો શ્રેય રાજ્યમંત્રી એ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ્યો હતો. કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ સ્વાગત પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આન બાન અને શાન સાથે હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ રહી છે. સાંસદશ્રીએ કચ્છીજનોને ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તિરંગા યાત્રાને રૂટ દરમિયાન ઠેર-ઠેર પંજાબી સમાજ, મારવાડી સમાજ, ઉત્તરભારતીય સમાજ, લોહાણા (ઠક્કર) સમાજ, સિંધી સમાજ, કેરલા સમાજ, બ્રહ્મ સમાજ, ગોરખા સમાજ, દેવી પૂજક સમાજ, આંધ્ર સમાજ, મલયાલમ સમાજ, પટેલ સમાજ, ઉડીયા સમાજ, આહીર સમાજ, ભરવાડ સમાજ સહિત સમાજ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓએ પુષ્પવર્ષા કરીને આવકારી હતી. તિરંગા યાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, સશસ્ત્ર દળો, વિવિધ સમાજો સહિત સેવાભાવી સંસ્થાઓએ મોટી સંખ્યામાં જોડાઈને યાત્રાને દેશભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું. આ યાત્રા મહાત્મા ગાંધી પ્રતિમા (ગાંધી માર્કેટ) થી શરૂ થઈ મુખ્ય બજાર, ભાઈપ્રતાપજી સર્કલ અને ત્યાંથી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા થઈ ઝંડાચોક ખાતે સંપન્ન થઈ હતી. રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા અને ત્રિકમભાઈ છાંગા સહિત મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમા તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારારોપણ કરીને આઝાદીના નામી-અનામી શહીદોને વંદન કર્યા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરી, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોર, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર બી.ડી. ડવેરા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, ગાંધીધામ મામલતદાર જાવેદ સિંધી સહિત પદાધિકારી ઓ અને અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

















