GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં ઝરમર વરસાદ વચ્ચે ફરી એસ.ટી. બસનો અકસ્માત: ટેમ્પા પાછળ બસ અથડાઈને ડિવાઈડર પર ચડી ગઇ

તા.14/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર ચોમાસાના ચોખ્ખા ઝરમર વરસાદી માહોલ વચ્ચે અકસ્માતોની શ્રેણી યથાવત રહી છે. ગુરુવારે વહેલી સવારે રાધનપુરથી રાજકોટ તરફ જતી એસ.ટી. બસ આગળ જતાં એક ટેમ્પા પાછળ અથડાઈને રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદ્દભાગ્યે આ દુર્ઘટનામાં બસમાં સવાર આશરે ૨૦ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી મળતી માહિતી મુજબ રાધનપુર-રાજકોટ રૂટની એસ.ટી. બસ વહેલી સવારે સુરેન્દ્રનગર ડેપો તરફ જઈ રહી હતી. આ દરમિયાન રિવરફ્રન્ટ રોડ પર આગળ જઈ રહેલા ટેમ્પાના ચાલકે રોડ પર આવેલા બમ્પને કારણે અચાનક બ્રેક મારી હતી. પાછળ આવી રહેલી એસ.ટી. બસના ચાલકે પણ તુરંત બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઝરમર વરસાદને કારણે રોડ પર બસ નવડાઈને ટેમ્પા પાછળ ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ એસ.ટી. ડેપોના એટીઆઈ રાજેન્દ્રસિંહ સોલંકી સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ડેપો મેનેજર વી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ બસમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે અન્ય એસ.ટી. બસ મારફતે રાજકોટ તરફ રવાના કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ રોડ વરસાદી સમયે સતત અકસ્માતોને આમંત્રણ આપી રહ્યો છે. અગાઉ પણ આ રોડ પર વાહનો સ્લિપ થવાના, પરસ્પર અથડાવાના અને ડિવાઈડર સાથે અથડાવાના અનેક બનાવો બની ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે હવે આ રસ્તેથી પસાર થવું શહેરીજનો માટે ભયજનક બની ગયું છે.

Back to top button
error: Content is protected !!