KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગ્રામ પંચાયતે ગ્રામ સભા માટે જાહેર નોટિસ બહાર પાડી પણ કચેરીને તાળાં! ૧૫મી ઓગસ્ટે ગ્રામસભા ન યોજાતા ગ્રામજનોનો ભારે હલ્લાબોલ.

તારીખ ૧૬/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનારી ખાસ ગ્રામસભા વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓની ઘોર બેદરકારીને કારણે ન યોજાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. પંચાયત દ્વારા જાહેર નોટિસ બહાર પાડી લોકોને ઉપસ્થિત રહેવા જણાવ્યું હોવા છતાં, નિર્ધારિત સમયે પંચાયત કચેરીના મુખ્ય ગેટ પર મોટું તાળું લટકતું મળ્યું હતું. વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા લેખિત નોટિસ પ્રસિદ્ધ કરીને ગામના તમામ નાગરિકોને ૧૫મી ઓગસ્ટે સવારે ૧૧:૦૦ કલાકે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભામાં હાજર રહેવા જણાવાયું હતું.

નોટિસ મુજબ ગામના વિકાસ કાર્યો અને પ્રશ્નોની ચર્ચા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો સમયસર પહોંચ્યા ત્યારે પંચાયત કચેરીના મુખ્ય ગેટ પર મોટું તાળું મારેલું હતું. સવારે ૧૧:૩૫ વાગ્યા સુધી રાહ જોવા છતાં ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી-કમ-મંત્રી તેમજ જિલ્લા કક્ષાએથી નિયુક્ત કરાયેલા વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જવાબદાર મેડિકલ ઓફિસર પણ સ્થળ પરથી સંપૂર્ણપણે ગેરહાજર રહ્યા હતા.આ સમગ્ર મામલે પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સલીમ મોહમ્મદ કઠીયાએ જણાવ્યું હતું કે, “ગ્રામસભામાં ભાગ લેવા માટે ગ્રામજનો સવારે ૧૧:૦૦ વાગ્યે પંચાયત ખાતે પહોંચ્યા હતા, પરંતુ મુખ્ય દરવાજો બંધ હતો અને મોટું તાળું મારેલું હતું. ૧૧:૩૫ સુધી કોઈ જવાબદાર અધિકારી કે સરપંચ-તલાટી હાજર રહ્યા નહોતા. આ અંગે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી (TDO)ને ટેલિફોનિક જાણ કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘આજે ગ્રામસભાનું આયોજન છે અને હું તલાટીને ફોન કરી તાત્કાલિક જાણ કરું છું.'” સ્વાતંત્ર્ય પર્વ જેવા રાષ્ટ્રીય તહેવારે જ સરકારી આદેશો હોવા છતાં ગ્રામસભા મોકૂફ જેવી સ્થિતિમાં મુકાતાં અને જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહેતાં રોષે ભરાયેલા ગ્રામજનોએ પંચાયત ભારે હોબાળો મચાવ્યો હતો.ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પ્રજાના પ્રશ્નો સાંભળવામાં પંચાયત અને વહીવટી તંત્રને કોઈ રસ નથી. સરકારી આદેશો અને પરિપત્રોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરનારા સરપંચ, તલાટી અને ગેરહાજર રહેલા નોડલ અધિકારી સામે તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) તાત્કાલિક ધોરણે તપાસ કરી કડક શિક્ષાત્મક પગલાં ભરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

 

 

Back to top button
error: Content is protected !!