
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૧૯ ઓગસ્ટ : ભચાઉના અર્બન વિસ્તારના ભઠ્ઠા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી સાહેબ, જિલ્લા આર.સી.એચ.ઓ. ડો. દિનેશ પટેલ સાહેબ, ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ સાહેબ તથા ભચાઉ સી.ડી.પી.ઓ. નયનાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને માસિક ચક્ર અને માસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અંગે સરળ અને રસપ્રદ રીતે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માસિક દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, યોગ્ય કાળજી રાખવી, સ્વચ્છતા સંબંધિત જરૂરી સાવચેતીઓ તથા માસિક સ્વચ્છતાના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી.કિશોરીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધે તે માટે સાપસીડી જેવી રસપ્રદ અને રમૂજી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પ્રવૃત્તિમાં કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આનંદ સાથે સ્વચ્છતા અંગે મહત્વપૂર્ણ બાબતો શીખી હતી.આ ઉપરાંત HIV/AIDSના સંક્રમણના માર્ગો, કારણો, બચાવના ઉપાયો તથા જરૂરી સાવચેતીઓ અંગે ICTC કાઉન્સેલર હરેશભાઈ પંડ્યા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરીઓના પ્રશ્નો અને મૂંઝવણોનું નિરાકરણ કરી સરળ ભાષામાં સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં માસિક કોર્નર તૈયાર કરી વિવિધ સામગ્રીનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તેના દ્વારા કિશોરીઓને માસિક સ્વચ્છતા અંગે વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી. સાથે જ દરેક કિશોરીનું હિમોગ્લોબિન પરીક્ષણ કરવામાં આવ્યું હતું.કિશોરીઓમાં આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ કૌશલ્ય તથા આરોગ્ય અંગે જાગૃતિ વધારવાના હેતુથી વકૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિજેતા કિશોરીને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, ICTC કાઉન્સેલર હરેશભાઈ પંડ્યા, આંગણવાડી PSE બ્લોક કોઓર્ડિનેટર તેજલબા જાડેજા, રવિનાબેન વણકર, આંગણવાડી કાર્યકર જાગૃતિબેન, આંગણવાડી હેલ્પર તથા આશા મીનાબેન ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા સક્રિય સહયોગ આપ્યો હતો.કિશોરીઓના આરોગ્ય, પોષણ, સ્વચ્છતા અને સર્વાંગી વિકાસ અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી અને સફળ રહ્યો હતો.



