CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલાના 289 સાથણીદારોની 20 વર્ષની રાહનો અંત: બદલી બાદ જતા-જતાં નાયબ કલેક્ટરે ખેડૂતોને જમીનનો પ્રત્યક્ષ કબજો અપાવ્યો

કાગળ પરનો હક્ક જમીન પર મળ્યો: ચોટીલા વહીવટી તંત્રની સંવેદનશીલ કામગીરીથી 57 સાથણીદારોને 114 એકર જમીન સોંપાઈ

તા.20/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

કાગળ પરનો હક્ક જમીન પર મળ્યો: ચોટીલા વહીવટી તંત્રની સંવેદનશીલ કામગીરીથી 57 સાથણીદારોને 114 એકર જમીન સોંપાઈ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં છેલ્લા બે દાયકાથી પેન્ડિંગ રહેલા સાથણીના હક્કના કબજા સોંપવાના વર્ષો જૂના જટિલ પ્રશ્નનો આખરે સુખદ અંત આવ્યો છે. ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ. ટી. મકવાણા તથા મામલતદાર ઉપેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળના મહેસૂલી તંત્રે સંવેદનશીલ અને અસરકારક કામગીરી દાખવીને બદલી થવા છતાં જતા-જતા વર્ષોથી વંચિત સાથણીદારોને જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપ્યો છે. ચોટીલા તાલુકાના આણંદપુર, કંથારિયા, આંકડિયા, પરબડી, મોણપર, વડાલી, અને ગોલીડા સહિતના વિવિધ ગામોમાં વર્ષ ૨૦૦૬ દરમિયાન કુલ ૫૦૮ સાથણીના હુકમો કરવામાં આવ્યા હતા. જોકે કાગળ પર હુકમ થયા હોવા છતાં યોગ્ય માપણી અને સીમાંકનના અભાવે ૨૮૯ જેટલા ગરીબ લાભાર્થીઓ જમીનના વાસ્તવિક અને પ્રત્યક્ષ કબજાથી વંચિત રહ્યા હતા. આ પ્રશ્નનો કાયમી નિકાલ આણવા માટે નાયબ કલેક્ટર મકવાણા દ્વારા છેલ્લા છ મહિનાથી એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ સરકારી જમીનની ચોક્કસ ઓળખ કરી, માપણી ડ્રાઇવ ચલાવીને બે-બે એકરના સ્પષ્ટ બ્લોક તૈયાર કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ કુલ ૫૮૬ એકર જમીન સાથણીદારોને સોંપવાનું આયોજન હાથ ધરાયું છે. તાજેતરમાં મહેસૂલી ટીમે સ્થળ પર પહોંચીને સંપૂર્ણ પારદર્શકતા જળવાઈ રહે તે માટે ચિઠ્ઠી ઉપાડીને ‘ડ્રો પદ્ધતિ’ દ્વારા જમીનની ફાળવણી કરી હતી. પ્રથમ તબક્કામાં આણંદપુર ગામના ૫૭ સાથણીદારોને સખપર તથા આણંદપુર સીમની બે-બે એકર લેખે કુલ ૧૧૪ એકર જમીનના ચોક્કસ સર્વે નંબર સાથે સ્થળ પર જ પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા જણાવ્યા મુજબ, સાથણીના બાકી રહેલા તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવતીકાલે જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વર્ષોની લાંબી રાહ જોયા બાદ પોતાના હક્કની જમીનનો પ્રત્યક્ષ કબજો મળતાં જ સાથણીદારો અને તેમના પરિવારજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક ખેડૂતોએ રાજ્ય સરકાર, જિલ્લા કલેક્ટર ગુણવંતસિહ સોલંકી, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, મામલતદાર ઉપેન્દ્રસિંહ વાઘેલા તેમજ સમગ્ર મહેસૂલી ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સ્થળ પર જઈને પારદર્શક રીતે પ્રશ્ન ઉકેલવાની વહીવટી તંત્રની આ નીતિ નાગરિકલક્ષી શાસનનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

Back to top button
error: Content is protected !!