અણીદ્રામાં પેટ્રોલ પંપ પર પુરવઠા વિભાગનો દરોડો: પરવાના વગર ગેરકાયદે ડીઝલ વેચતું મીની બ્રાઉઝર ઝડપાયું, રૂ.12.88 લાખનો મુદ્દામાલ સીઝ
જિલ્લા પુરવઠા અધિકારીની લાલ આંખ: 900 લીટર ડીઝલ અને ડિસ્પેન્સિંગ યુનિટ સહિત 12.88 લાખનો મુદ્દામાલ સીઝ

તા.20/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
જિલ્લા પુરવઠા અધિકારીની લાલ આંખ: 900 લીટર ડીઝલ અને ડિસ્પેન્સિંગ યુનિટ સહિત 12.88 લાખનો મુદ્દામાલ સીઝ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે પેટ્રોલિયમ પદાર્થોના વેચાણ અને સંગ્રહ સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે. જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જર અને તેમની ટીમે વઢવાણ તાલુકાના અણીદ્રા ગામે આવેલા પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ દરોડા દરમિયાન વગર લાઇસન્સે ગેરકાયદે ડીઝલનું વેચાણ કરતા એક મીની મોબાઈલ બ્રાઉઝરને ઝડપી પાડી કુલ રૂ. ૧૨.૮૮ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, વઢવાણ તાલુકાના અણીદ્રા ગામે આવેલા ‘સત્યમ પેટ્રોલીયમ’ (BPCL) ખાતે પુરવઠા વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પેટ્રોલ પંપ પરિસરમાંથી એક મોટર વાહન મળી આવ્યું હતું. આ બ્રાઉઝરમાં ડિસ્પેન્સિંગ યુનિટ ફિટ કરીને આજુબાજુના ગામડાઓમાં નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે ડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું. પુરવઠા ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું હતું કે, આ મોબાઈલ બ્રાઉઝર કે તેના ડિસ્પેન્સિંગ યુનિટ માટે સંબંધિત સરકારી તંત્ર પાસેથી કોઈપણ પ્રકારના જરૂરી પરવાના પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન લાઇસન્સ, માપ-તોલ વિભાગનું સ્ટેમ્પિંગ કે કેલિબ્રેશન મેળવવામાં આવ્યું ન હતું. કોઈપણ જાતની માન્ય મંજૂરી કે સુરક્ષાના માનકો વગર જોખમી રીતે ડીઝલનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવતાં પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરી દરમિયાન પુરવઠા વિભાગે મીની બ્રાઉઝર તથા ડિસ્પેન્સિંગ યુનિટ અંદાજિત કિં.રૂ. ૧૨,૦૦,૦૦૦ તથા અંદાજે ૯૦૦ લીટર ડીઝલનો જથ્થો અંદાજિત કિં.રૂ. ૮૮,૯૨૦ આમ, કુલ રૂ. ૧૨,૮૮,૯૨૦ નો મુદ્દામાલ સ્થળ પર જ સીઝ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ પદાર્થોના વેચાણ અને વિતરણમાં જરૂરી પરવાના, સેફ્ટી લાઇસન્સ તથા માપ-તોલ સંબંધિત સરકારી મંજૂરીઓનું પાલન થવું ફરજિયાત છે. ભવિષ્યમાં પણ આવા ગેરકાયદેસર વેચાણ કે સંગ્રહ કરતી એજન્સીઓ અને પેટ્રોલ પંપો સામે ઝુંબેશરૂપે તપાસ ચાલુ રાખવામાં આવશે.




