GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ‘નેત્રમ’ની પ્રશંસનીય કામગીરી: રિક્ષામાં ભૂલાયેલું રૂ.9000 ભરેલું પર્સ CCTV મદદથી શોધી મૂળ માલિકને સોંપાયું

તા.20/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં “તેરા તુજકો અર્પણ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જાહેર જનતાની ખોવાઈ કે ગુમ થયેલ કિંમતી ચીજવસ્તુઓ, રોકડ રકમ કે દાગીના શોધીને મૂળ માલિકને પરત સોંપવાની સુચના નેત્રમ ટીમને આપવામાં આવેલી છે. જે અંતર્ગત નેત્રમ શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયા અને તેમની ટીમે સીસીટીવી કેમેરાના આધારે પ્રશંસનીય કામગીરી કરી એક નાગરિકનું ગુમ થયેલ પર્સ પરત અપાવ્યું છે. ઘટનાની વિગત મુજબ, વઢવાણ તાલુકાના રાપરાના ગામે રહેતા અરજદાર નવઘણભાઈ કાળુભાઈ ગત તા. ૧૭/૦૮/૨૦૨૬ ના રોજ ગોદાવરી ગામના બોર્ડ પાસેથી એક પેસેન્જર રિક્ષામાં બેસીને સુરેન્દ્રનગરના મેગા મલ્ટીપ્લેક્સ/મેકક્શન સર્કલ ખાતે ઉતર્યા હતા. રિક્ષામાંથી ઉતરતી વખતે તેમનું પર્સ, જેમાં રૂ. ૯,૦૦૦ ની રોકડ રકમ ભરેલી હતી, તે ભૂલથી રિક્ષામાં જ રહી ગયું હતું. પર્સ ભૂલાઈ ગયાની જાણ થતાં જ અરજદારે તાત્કાલિક સુરેન્દ્રનગર “નેત્રમ” કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. નેત્રમની ટીમે સમય સૂચકતા વાપરીને સર્કલ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું હતું. કેમેરા રી-વેરિફાઈ કરતા જે રિક્ષામાં અરજદાર બેઠા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર GJ-27-AZ-0463 સ્પષ્ટપણે ઓળખાઈ આવ્યો હતો. ત્યારબાદ નેત્રમ ટીમે રિક્ષા ચાલકનો ત્વરિત સંપર્ક કરી રિક્ષામાં તપાસ કરાવતા રોકડ રકમ સાથેનું પર્સ સુરક્ષિત મળી આવ્યું હતું. નેત્રમ શાખા ખાતે અરજદાર નવઘણભાઈ કાળુભાઈને બોલાવીને રૂ. ૯,૦૦૦ રોકડ અને પર્સ ખાતરીપૂર્વક પરત સોંપવામાં આવ્યું હતું. પોતાની ગયેલી રકમ અને મહત્વના દસ્તાવેજો સુરક્ષિત પરત મળતા અરજદારે સુરેન્દ્રનગર પોલીસ અને નેત્રમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. જિલ્લા પોલીસની આ ઝડપી અને પ્રામાણિક કામગીરીની સ્થાનિક જનતામાં ભારે સરાહના થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!