MORBI:મોરબીના ૨૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સેમસંગ ટેબ્લેટ આપી સન્માનિત કરાયા: STEM ક્વિઝ ૪.૦ માં મેળવી સિદ્ધિ

MORBI:મોરબીના ૨૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સેમસંગ ટેબ્લેટ આપી સન્માનિત કરાયા: STEM ક્વિઝ ૪.૦ માં મેળવી સિદ્ધિ
ગુજરાત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), ગાંધીનગર દ્વારા આયોજિત સ્ટેમ (STEM) ક્વિઝ ૪.૦ માં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડાયરેક્ટર જનરલ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા (IAS) તથા પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. પૂનમ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના ૫ તાલુકાઓમાંથી શ્રેષ્ઠ ૨૦ તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને ઈનામ સ્વરૂપે સેમસંગ ટેબ્લેટ એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ મોતા, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી બ્રિજેશભાઈ જાજલ, લોક વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શક શ્રી એલ. એમ. ભટ્ટ, કો-ઓર્ડિનેટર શ્રી દિપેનકુમાર ભટ્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ રાજેશ્વરી એચ. પંડ્યા તેમજ જિલ્લા આઈ.પી. ઓફિસર શ્રી પાર્થ સોલંકીના હસ્તે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપીને બિરદાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી.










