AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ફૂડ ડિલીવરી સેક્ટર અર્થતંત્ર અને રોજગારીનું મજબૂત એન્જિન, ગુજરાતમાં ઇકોસિસ્ટમ વિકાસ માટે સરકારનો સંપૂર્ણ સહયોગ: હર્ષ સંઘવી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI) દ્વારા આયોજિત પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026નો અમદાવાદમાં પ્રારંભ થયો હતો. દેશભરના ફૂડ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમિટમાં ફૂડ સેક્ટરના વિકાસ, રોજગારીની તકો, ટેકનોલોજી, ટકાઉ પરિવહન અને ગુજરાતમાં ફૂડ ડિલીવરી ઇકોસિસ્ટમના વિસ્તરણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રને મજબૂત સહયોગ આપતા ફૂડ સેક્ટરને ગંભીરતાથી લેવાની જરૂર છે. દેશના કુલ અર્થતંત્રમાં ફૂડ અને ફૂડ રિલેટેડ બિઝનેસનું અંદાજે રૂ. 5.69 લાખ કરોડનું યોગદાન છે અને આગામી સમયમાં આ યોગદાન વધીને રૂ. 7.5 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. હાલમાં આ ક્ષેત્ર આશરે 75 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યું છે અને આગામી સમયમાં આ સંખ્યા એક કરોડને વટાવી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે બહુ ઓછા ક્ષેત્રો એવા છે, જે આટલા મોટા પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન કરે છે. તેથી ફૂડ અને ફૂડ ડિલીવરી સેક્ટરના વિકાસને માત્ર વ્યાપાર તરીકે નહીં, પરંતુ દેશના આર્થિક વિકાસ અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરનાર મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે જોવાની જરૂર છે.

રિન્યુએબલ એનર્જી ડેના પ્રસંગનો ઉલ્લેખ કરતાં હર્ષ સંઘવીએ ખાસ કરીને ગુજરાતના રેસ્ટોરન્ટ માલિકો અને ફૂડ ડિલીવરી સેક્ટર સાથે સંકળાયેલા લોકોને પેટ્રોલ આધારિત વાહનોના સ્થાને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી ફૂડ ડિલીવરીનો પ્રતિ કિલોમીટર ખર્ચ અંદાજે રૂ. 2.50ની સરખામણીએ 50 પૈસા જેટલો નીચો આવી શકે છે. આ બદલાવથી વ્યવસાયિક ખર્ચમાં ઘટાડા સાથે પર્યાવરણ સંરક્ષણને પણ વેગ મળશે.

તેમણે ઉમેર્યું હતું કે ફૂડ ડિલીવરી ક્ષેત્રમાં ટેકનોલોજી અને સ્વચ્છ ઊર્જાના વધતા ઉપયોગથી ભવિષ્યમાં વધુ કાર્યક્ષમ અને ટકાઉ વ્યવસાયિક મોડલ વિકસાવી શકાય છે. રાજ્ય સરકાર પણ નવા વિચારો, નવીન વ્યવસાયિક પહેલ અને ટકાઉ વિકાસ સાથે જોડાયેલા પ્રયાસોને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.

ગિફ્ટ સિટી અંગે વાત કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2007માં ગિફ્ટ સિટીનું સ્વપ્ન જોયું હતું ત્યારે તેને ઘણા લોકો દિવાસ્વપ્ન માનતા હતા, પરંતુ આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે. અહીં દુનિયાભરમાંથી ફિનટેક ક્ષેત્રે રોકાણ આવી રહ્યું છે અને મોટા પાયે વિવિધ આર્થિક તથા વ્યાપારિક પ્રવૃત્તિઓ વિકસી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિઝનથી સાકાર થયેલી ગિફ્ટ સિટીમાં ફૂડ સેક્ટર માટે પણ અનેક નવી તકો ઉપલબ્ધ છે. ગુજરાત લાગણી અને તકોનું સંગમ ધરાવતું રાજ્ય છે અને ઉદ્યોગકારો તથા યુવાનોના સપનાઓને સાકાર કરવા માટે અનુકૂળ માહોલ પૂરું પાડે છે. ગિફ્ટ સિટી સહિત રાજ્યના વિવિધ વિકસતા વિસ્તારોમાં ફૂડ બિઝનેસ અને ફૂડ સર્વિસ સેક્ટરમાં રોકાણ માટે વિશાળ સંભાવનાઓ છે.

મોટા શહેરો પૂરતું જ સીમિત ન રહેવા અનુરોધ કરતાં હર્ષ સંઘવીએ ઉદ્યોગકારોને સ્ટેચ્યૂ ઑફ યુનિટી, શિવરાજપુર બીચ, ધરોઈ ડેમ, કચ્છનું સફેદ રણ અને ગીર જેવા પ્રવાસન સ્થળોએ પણ ફૂડ બિઝનેસ શરૂ કરવાની તકો શોધવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિસ્તરી રહ્યું છે અને પ્રવાસીઓની વધતી અવરજવર સાથે ગુણવત્તાસભર ફૂડ સર્વિસ અને આધુનિક ડિલીવરી વ્યવસ્થાની જરૂરિયાત પણ વધી રહી છે.

તેમણે ઉદ્યોગકારોને ખાતરી આપી હતી કે આવા પ્રવાસન સ્થળોએ જરૂરી માળખાકીય સુવિધાઓ અને અન્ય સગવડો ઊભી કરવામાં રાજ્ય સરકાર સહયોગ આપશે. સારા અને વ્યવહારુ વિચારો સાથે ઉદ્યોગકારો આગળ આવે તો સરકાર તેમને શક્ય તમામ સહયોગ આપવા તૈયાર છે. ઉદ્યોગકારોએ મોટા મૂડી ખર્ચનું જોખમ લેવાની જરૂર ન પડે તે માટે યોગ્ય વ્યવસાયિક મોડલ સાથે ઓપરેશનલ ખર્ચના આધારે પણ તકો વિકસાવી શકાય છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત રોકાણની સામે સારું વળતર આપતું રાજ્ય છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીથી લઈને કચ્છ અને ગીર સુધીના વિવિધ પ્રવાસન અને વિકસતા વિસ્તારોમાં આધુનિક ફૂડ ડિલીવરી ઇકોસિસ્ટમ વિકસાવવા માટે રાજ્ય સરકારનો સંપૂર્ણ સહયોગ રહેશે. તેમણે જણાવ્યું હતું કે ફૂડ સેક્ટરના વિસ્તરણથી સ્થાનિક રોજગારી, નાના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને પ્રવાસન આધારિત અર્થતંત્રને પણ નવી ગતિ મળી શકે છે.

તેમણે ફૂડ ડિલીવરી સમિટ જેવા વાર્ષિક કાર્યક્રમો અને ઉદ્યોગલક્ષી બેઠકો ગુજરાતમાં યોજવા માટે પણ અનુરોધ કર્યો હતો. આવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગલક્ષી કાર્યક્રમોના આયોજન માટે સરકાર તરફથી જરૂરી તમામ સહયોગ આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

સમારંભમાં NRAIના પ્રેસિડેન્ટ સાગર દરયાનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે NRAIના અમદાવાદ ચેપ્ટરના હેડ આનલ કોટકે ઉપસ્થિત મહેમાનો અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI)ના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ રુંગટા, કો-ચેપ્ટર હેડ દિલીપ ઠક્કર, ટ્રેઝરર ચિરાયુ અગ્રવાલ, જોઇન્ટ સેક્રેટરી પંકજ પાઠક અને દર્શન દાસાણી સહિતના હોદ્દેદારો તેમજ રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો ઉપસ્થિત રહ્યા હતા.

એક દિવસીય ફૂડ ડિલીવરી સમિટમાં દેશભરના 30થી વધુ શહેરોમાંથી 1,500થી વધુ બ્રાન્ડ્સ સાથે સંકળાયેલા 5,000થી વધુ પ્રતિનિધિઓએ વિવિધ સત્રો અને કાર્યશાળાઓમાં ભાગ લીધો હતો. સમિટ દરમિયાન ફૂડ ડિલીવરી ક્ષેત્રમાં બદલાતી ગ્રાહક જરૂરિયાતો, ટેકનોલોજીનો વધતો ઉપયોગ, વ્યવસાયિક કાર્યક્ષમતા, ખર્ચમાં ઘટાડો, ટકાઉ પરિવહન અને ભવિષ્યની વિકાસ તકો અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

સમિટે ગુજરાતમાં ફૂડ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગના વિકાસ માટે નવી સંભાવનાઓને ઉજાગર કરવાની સાથે રાજ્યને ફૂડ બિઝનેસ, ટેકનોલોજી અને રોકાણ માટે વધુ આકર્ષક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું હતું.

Back to top button
error: Content is protected !!