GUJARATIDARSABARKANTHA

હિંમતનગરના રાજપુર નજીકથી ઇકોમાં નવજાત બાળકીને વેચવા જતા ટોળકી ઝડપાઇ

હિંમતનગરના રાજપુર નજીકથી ઇકોમાં નવજાત બાળકીને વેચવા જતા ટોળકી ઝડપાઇ

,એક માસની બાળકી રૂ.1.50 લાખમાં વેચવા લઈ જવાતી હોવાનો ખુલાસો,ઝડપાયેલા ચાર આરોપીને 11 દિવસના રિમાન્ડ મંજુર,12 બાળકોના વેચાણ કર્યાની કબૂલાત,મહિલા પોલીસ જાપ્તામાં

સાબરકાંઠા પોલીસે નવજાત બાળકીના વેચાણ કરવા જતી ટોળકીનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડયા છે.જેમાંથી ચારને કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યારે એક મહિલા આરોપી પોલીસ જાપ્તા હેઠળ રાખવામાં આવેલ છે.હિંમતનગર-ઇડર હાઇવો પર રાજપુર ગામના પાટિયા નજીક એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામ આવી હતી.

પોલીસને બાતમી મળી હતી કે, સફેદ રંગની ઇકો કાર નં. GJ-27-TT-7650માં એક માસની નવજાત બાળકી વેચાણ માટે હિંમતનગર તરફ લાવવામાં આવી રહી છે. પોલીસે પંચોને સાથે રાખી વોચ ગોઠવી રાજપુર ગામ પાસે ઇકો કારને રોકી તપાસ કરતાં પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા. તપાસ બાદ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 143(4) અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં મુખ્ય આરોપી દેવીલાલ ગમાર દલાલ તરીકે ભૂમિકા ભજવતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોપટભાઈ અને બબીબેન બાળકીના માતા-પિતા તરીકે સામે આવ્યા છે. પૈસાની લાલચમાં રૂ.1.50 લાખમાં બાળકીનું વેચાણ કરવા નીકળ્યા હતા.પ્રવિણ ધ્રાંગી અને દિનેશ ધ્રાંગીએ પણ દલાલ તરીકે ભૂમિકા ભજવી હોવાની વિગતો સામે આવી છે.

બાળકીને મુંબઈમાં રહેતી કવિતાબેનને વેચાણ કરવા માટે ડીલ થવાની હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પોલીસે ચાસ મોબાઇલ ફોન 12000 અને 2 લાખની ઇકો કાર સહિત કુલ રૂ.2.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચાર આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાંથી 11 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

હાલ નવજાત બાળકી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ સારવાર લઈ રહી છે.ઝડપાયેલા મુખ્ય આરોપી દેવીલાલના નિવેદન મુજબ અગાઉ પણ આશરે 12 બાળકોના વેચાણની હકીકત સામે આવી છે. આ મામલે સીતારામ પરમાર અને કવિતાબેન સહિતના આરોપીઓની શોધખોળ તથા આંતરરાજ્ય કડી અંગે તપાસ ચાલુ છે.સાબરકાંઠા પોલીસે ટિમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.

1.દેવીલાલ ગુજરાભાઈ રતાભાઈ ગમાર રહે. બોરડી (ખુર્દ) તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન

2.પોપટભાઈ ભુરાભાઈ ગમાર રહે.પટારાફળો ગણેર તા.પોશીના જી.સાબરકાંઠા

3.બબીબેન W/O પોપટભાઈ ભુરાભાઈ ગમાર રહે.પટારાફળો ગણેર,તા.પોશીના,જી.સાબરકાંઠા

3.પ્રવિણભાઇ વેલાભાઈ જોરાભાઈ ધ્રાંગી રહે.પેડચોલી તા.અમીરગઢ જી.બનાસકાંઠા

4.દિનેશભાઈ શકરાભાઈ ધ્રાંગી રહે. પેડચોલી તા.અમીરગઢ તા.બનાસકાંઠા

કોણ બાકી

ગણેર તા.પોશીના જી.સાબરકાંઠા

1.સીતારામ પરમાર, રહે. ઢેઢમારિયા,તા.કોટડા,જી.ઉદેપુર રાજસ્થાન

2.કવિતાબેન,મુંબઇ

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!