MORBI:મોરબીમાં દારૂબંધીના ધજીયા ઉડ્યા! હાઈવે પર દેશી દારૂ ભરેલી કાર પલટી જતાં દારૂની થેલીઓ વેરવિખેર

MORBI:મોરબીમાં દારૂબંધીના ધજીયા ઉડ્યા! હાઈવે પર દેશી દારૂ ભરેલી કાર પલટી જતાં દારૂની થેલીઓ વેરવિખેર
દારૂબંધી માત્ર કાગળ પર? ભાવનગર કાંડ બાદ મોરબીમાં હોટલ ધ ફર્ન નજીક દારૂ ભરેલી કારનો અકસ્માત થતાં પોલ ખુલી
ગુજરાતમાં કાગળ પર અમલી દારૂબંધીના દાવાઓ સામે અવારનવાર સવાલો ઉઠતા રહે છે, ત્યારે મોરબીના સામા કાંઠે આવેલ 8-A નેશનલ હાઈવે પરથી દારૂબંધીની પોલ ખોલતી એક ઘટના સામે આવી છે. સામા કાંઠે આવેલી જાણીતી ‘ધ ફર્ન’ હોટલ નજીક દેશી દારૂનો જથ્થો લઈને પસાર થઈ રહેલી એક કારને અકસ્માત નડ્યો હતો અને કાર હાઈવે પર જ પલટી મારી ગઈ હતી.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અકસ્માતગ્રસ્ત કાર પલટી મારી જતાં જ તેમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂની થેલીઓ અને જથ્થો રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. કારમાં દેશી દારૂનો મોટો જથ્થો હોવાનું સામે આવતા જ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
અગાઉ ભાવનગર લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ બન્યા બાદ પણ પોલીસ અને તંત્ર દ્વારા દારૂબંધીનો કડક અમલ કરાવવાના મોટા-મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ હાઈવે જેવા ધમધમતા રસ્તાઓ પરથી આ પ્રકારે ખુલ્લેઆમ દેશી દારૂ ભરેલી કાર પસાર થાય અને અકસ્માત સર્જાતા જ સમગ્ર મામલો પ્રકાશમાં આવે, તે બતાવે છે કે મોરબીમાં બુટલેગરો બેફામ બન્યા છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યો છે કે શું રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે?









