
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ શહેરથી 5 કિમી દૂર નવી મામલતદાર કચેરીની જગ્યા ફાળવાતા વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ – બાયડ બજાર બંધનું એલાન
બાયડમાં મામલતદાર કચેરીના સ્થળ બદલવાના વિરોધમાં બંધ ,બાયડ શહેરથી 5 કિમી દૂર નવી મામલતદાર કચેરીની જગ્યા ફાળવાતા વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ
અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં નવી મામલતદાર કચેરીના સ્થળને લઈને સ્થાનિકોમાં વિરોધ ઉગ્ર બન્યો છે. બાયડ શહેરથી આશરે 5 કિમી દૂર નવી મામલતદાર કચેરીની જગ્યા ફાળવવામાં આવતા તેના વિરોધમાં આજે બાયડ શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
બંધના એલાનને પગલે બાયડ શહેરના વેપારીઓ અને સ્થાનિકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. નાના લારી-ગલ્લા ધારકોથી લઈને વેપારીઓ અને રહીશોએ પણ બંધને સમર્થન આપ્યું હતું.સ્થાનિકોના જણાવ્યા મુજબ મામલતદાર કચેરી શહેરથી દૂર ખસેડવામાં આવશે તો સામાન્ય નાગરિકો તેમજ વિવિધ સરકારી કામકાજ માટે કચેરીએ આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ મુદ્દે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ બાયડ શહેર નજીક વાત્રક પાસે નવી મામલતદાર કચેરીના નિર્માણ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે મામલતદાર કચેરી શહેરની અંદર જ રહે તે માટે યોગ્ય જગ્યા ફાળવી કચેરીનું નિર્માણ કરવામાં આવે.નવી મામલતદાર કચેરીનું સ્થળ બદલવાના નિર્ણય સામે આજે વેપારીઓ અને સ્થાનિકોએ એકસાથે અવાજ ઉઠાવી બંધ પાળ્યો હતો. હવે તંત્ર દ્વારા સ્થાનિકોની રજૂઆત અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને મામલતદાર કચેરીના સ્થળમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તે જોવું રહ્યું.





