GUJARATSINORVADODARA

શિનોરમાં ₹80 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું


ફૈઝ ખત્રી..શિનોર
શિનોર: શિનોર ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી આશરે ₹80 લાખના ખર્ચે ગામના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા કોષાધ્યક્ષ સચિન પટેલ, સરપંચ કિન્નલબેન પટેલ, ઉપસરપંચ નિતિનભાઈ ખત્રી સહિત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સૌપ્રથમ ગામના મુખ્ય પ્રવેશ માર્ગ તરીકે ઓળખાતા વેરાઈ માતાના ચોરાથી હાઈસ્કૂલના નાળા સુધીના માર્ગ પર દર ચોમાસે પડતા ખાડાઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા આશરે ₹10 લાખના ખર્ચે હેવી પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આશરે ₹70 લાખના ખર્ચે વાઘરીવાસ, વાંઝારીવાસ, રોહિત ફળિયું, ટેકરી ફળિયું, ડબ્બી ફળિયું, નાગરવાડા, અધિભાગ અને જોરભાઈ ફળિયા સહિતના વિસ્તારોમાં પૂર્ણ થયેલા પેવર બ્લોક તથા ગટર લાઈનના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઇન્દિરા આવાસ કોલોનીમાં પણ આર.સી.સી. રોડ તથા પેવર બ્લોકના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષો બાદ કોલોનીમાં રસ્તા અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થતાં રહેવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કોલોનીના પ્રવેશ માર્ગને લાઇટિંગ અને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યો હતો અને લોકાર્પણ માટે આવેલી ટીમનું આતશબાજી તથા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોલોનીના નવા બનેલા આર.સી.સી. માર્ગનું સચિન પટેલ તથા સ્થાનિક રહેવાસીઓના હસ્તે રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઓએ ગ્રામ પંચાયતની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!