NATIONAL

કેન્દ્ર સરકારે આઠ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જિલ્લા મેજિસ્ટ્રેટને સીધી નાગરિકતા આપવાની સત્તા સોંપી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા સંબંધિત નિયમોમાં મહત્વનો ફેરફાર કરતાં બુધવારે નાગરિકતા (ત્રીજો સુધારો) નિયમો, 2026 ની સૂચના જાહેર કરી છે. નવા નિયમો મુજબ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા (આદિવાસી વિસ્તારો સિવાય) તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ)ને ભારતની બહાર જન્મેલા અને સામાન્ય રીતે આ વિસ્તારોમાં રહેતા લાયક અને યોગ્ય અરજદારોને ભારતીય નાગરિકતા આપવાની સત્તા આપવામાં આવી છે. આ નિર્ણયથી નાગરિકતા માટેની પ્રક્રિયામાં મહત્વનો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે.

સરકારે જાહેર કરેલા નવા નિયમો મુજબ, નોંધણી (Registration) અથવા નેચરલાઈઝેશન (Naturalisation) દ્વારા ભારતીય નાગરિકતા મેળવવા માટેની તમામ અરજીઓની પ્રક્રિયા હવે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ કરશે. નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ અરજદારની યોગ્યતા અંગે સંપૂર્ણ રીતે સંતુષ્ટ થયા બાદ, એટલે કે અરજદાર નોંધણી અથવા નેચરલાઈઝેશન માટે લાયક અને યોગ્ય વ્યક્તિ હોવાનું નક્કી થયા પછી તેને ભારતનું નાગરિકત્વ આપશે.

આ નવા નિયમો અમલમાં આવતા અગાઉ જે સશક્ત સમિતિઓ (Empowered Committees) અને જિલ્લા સ્તરની સમિતિઓ પાસે નાગરિકતા સંબંધિત સત્તાઓ હતી, તે હવે સમાપ્ત કરવામાં આવી છે. હવે આ તમામ સત્તાઓ સીધી જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે નિયુક્ત વિસ્તારોમાં સશક્ત સમિતિઓ અથવા જિલ્લા સ્તરની સમિતિઓ પાસે હાલમાં પડતર રહેલી તમામ નાગરિકતાની અરજીઓ તાત્કાલિક સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી નવી વ્યવસ્થા હેઠળ તેમની પ્રક્રિયા આગળ વધારી શકાય.

નવા નિયમોમાં અરજદારો માટે કેટલીક કડક જોગવાઈઓ પણ કરવામાં આવી છે. નિયમો મુજબ, અરજી પર સહી કરવા અને ભારત પ્રત્યે વફાદારીનો શપથ લેવા માટે અરજદારે રૂબરૂ હાજર રહેવું ફરજિયાત રહેશે. જો કોઈ અરજદારને યોગ્ય તક આપવામાં આવ્યા બાદ પણ તે અરજી પર સહી કરવા અને વફાદારીનો શપથ લેવા માટે વ્યક્તિગત રીતે હાજર નહીં રહે, તો જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા કલેક્ટર તેની અરજી નામંજૂર કરશે. સરકારનું માનવું છે કે આ જોગવાઈથી નાગરિકતા પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થશે.

કેન્દ્ર સરકારે આ સાથે અગાઉ નાગરિકતા પ્રક્રિયા સંબંધિત બહાર પાડવામાં આવેલા આદેશોને પણ રદ કરી દીધા છે. જોકે, જે કાર્યવાહી અથવા નિર્ણય અગાઉના આદેશો હેઠળ પહેલેથી થઈ ચૂક્યા છે અથવા જે પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, તેના પર આ રદબાતલનો કોઈ અસર પડશે નહીં. નવા નિયમો હવે જાહેર થયાની સાથે જ અમલમાં આવ્યા છે અને સંબંધિત રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિકતા માટેની તમામ નવી તેમજ પડતર અરજીઓની પ્રક્રિયા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.

આ નવા નિયમો દ્વારા કેન્દ્ર સરકારે નાગરિકતા પ્રક્રિયાને વધુ સરળ, જવાબદાર અને સીધી બનાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ અરજદારોની યોગ્યતા, ઓળખ અને વફાદારીની પ્રક્રિયાને વધુ કડક બનાવીને નાગરિકતા આપવાની સમગ્ર વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા પર ભાર મૂક્યો છે.

Back to top button
error: Content is protected !!