સળિયા પાછળ સ્નેહની સરવાણી: જેલમાં રક્ષાબંધન કે બંધનરક્ષા..? – મહેશ દવે નિવૃત્ત જેલર

તા.25/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

“રક્ષાબંધન” હિન્દુ ધર્મનો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર છે.આ તહેવારનું બીજું નામ “બળેવ” પણ છે. બલિરાજાને લક્ષ્મીદેવી પાતાળમાં જઈને રાખડી બાંધી બદલામાં વિષ્ણુને મુક્ત કરાવ્યા હતા. હુમાયુ અને કર્ણાવતીની વાત પણ રાખડી માટે જાણીતી છે આ દિવસે દરેક બહેન પોતાના ભાઈના દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃધ્ધિ અને ભાઈની તમામ પ્રકારે રક્ષા થાય એના માટે ભાઈના હાથે રાખડી બાંધી ભાઈને આશીર્વાદ આપે છે. આમ આ તહેવાર ગરીબ અમીર ભણેલ અભણ નાના મોટા બધા ભાઈ બહેનો આ રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે. મારે આજે ખાસ વાત કરવી છે કે દેશની અને રાજ્યની જેલોમાં પણ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જેલમાં રહેલ પુરુષ બંદીવાનો પણ કોઈ બહેનના ભાઈ હોય છે અને જેલોમાં રહેલ મહિલા બંદીવાન પણ કોઈ ભાઈની બહેન હોય છે. “સદવિચાર પરિવાર” અને “બ્રહ્માકુમારી વિશ્વ વિધાલય” સંસ્થાની બહેનો ઉપરાંત પોતાની સગી બહેનો પણ બંદીવાનોને તે દિવસે રાખડી બાંધવા જેલમાં આવે છે. તે દિવસે જેલ પ્રશાસન દ્વારા જેલોમાં બહારથી આવનાર બહેનો માટે કુમકુમ ચોખાની અને જેલની બેકરી વિભાગ દ્વારા ખાસ મીઠાઈની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. બહારથી આવનાર મુલાકાતી બહેનો સાથે કોઈ કર્મચારી દ્વારા દુર્વ્યવહાર ન થાય એની ખાસ સૂચના આપવામાં આવે છે. સામાન્ય રીતે આરોપી અને પરિવારનું દુઃખ, પસ્તાવો અને પ્રાયશ્ચિત વિગેરે ભાવોનું મિશ્રણ જોવા મળે છે. ખાસ તો કોઈ મહિલા કોઈ ગુન્હાના કારણે જેલમાં હોય અને ભાઈ બહારથી રાખડી ચોખા કંકુ મીઠાઈ લઈને પોતાની બહેન પાસે રાખડી બંધાવવા બહારથી મહિલા જેલ આવે છે ત્યારે બહેનને બંદીવાન તરીકે સળિયા પાછળ જોતા બન્ને તરફ આંસુઓનો સેલાબ જોવા મળે છે. ત્યારે આ પ્રસંગે ખૂબ ભાવુક દૃશ્યો સર્જાય છે. તહેવારની ખુશી અને જેલમાં હોવાની કરુણતા બન્ને મિશ્રિત ભાવ જોવા મળે છે. પોતાના ઘેર હોય ત્યારે આઝાદીથી રક્ષાબંધનના દિવસે ભાઈ-બહેન આનંદ કિલ્લોલ સાથે તહેવાર ઉજવે છે પરંતુ જેલમાં એ જ રાખડી બાંધવાની ક્ષણ આવે ત્યારે કાંડા પર રાખડી તો બંધાય છે, પરંતુ તોતિંગ દીવાલો લોખંડી સળિયા, સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એવું લાગે કે આ રક્ષાબંધન છે કે બંધનરક્ષા ! ભાઈ બહેનની આંખોમાં કરુણતા જોવા મળે છે. એક તરફ પોતાના ભાઈને મળવાની રાખડી બાંધવાની ખુશી અને બીજી તરફ ભાઈ જેલમાં છે તેનું દુઃખ તેથી રાખડી બાંધતી વખતે બહેનો ભાવુક બની ચોધાર આંસુએ રડતી હોય છે. ભાઈ માટે રાખડી માત્ર ધાગો નથી તે બહેનના પ્રેમનું પ્રતિક છે. સાથે એક મૌન સંદેશ હોય છે કે “ભાઈ, હવે જીવનમાં ફરી એવી ભૂલ ન કરે કે રક્ષાબંધન જેલમાં ઉજવવું પડે.” કેમ કે પરિવારનો એક વ્યક્તિ જેલમાં હોય એટલે પૂરો પરિવાર સજા ભોગવે છે. કાયદાકીય સજા ભલે એક વ્યક્તિને મળે, પરંતુ તેની અસર માતા-પિતા, પત્ની, બાળકો અને ખાસ કરીને બહેનના જીવન પર પણ પડે છે. જેલોમાં રક્ષાબંધન માત્ર ધાર્મિક તહેવાર તરીકે નહી જેલોમાં ઉજવણીનો હેતુ ભાઈચારો અને સામાજિક ભાવના વધારવાનો હોય છે. સૌથી અસરકારક અંતિમ સંદેશ“રાખડીનો ધાગો ભલે નાજુક હોય છે, પરંતુ તેમાં બહેનની લાગણી, પરિવારની આશા અને ભાઈના આઝાદ ભવિષ્યની પ્રાર્થના બંધાયેલી હોય છે. એવા દૃશ્યો પણ જોવા મળે કે કોઈ બંદીવાનને બહેન હોય જ નહી અથવા મહિલા બંદીવાનને ભાઈ ન હોય અથવા તો પોતાની બહેન બહુ દૂર રહેતી હોય જેથી આવી શકે એમ ન હોય તેવા બંદીવાનો અંદરથી બહુ દુઃખી હોય ત્યારે એના સાથી કેદી મિત્રની બહેન એને પણ રાખડી બાંધે છે ત્યારે જેલમાં લાચારી એ હોય કે પોતે બહેનને રાખડીના વળતરમાં કોઈ ભેટ સોગાદ આપી શકતો નથી ત્યારે આંખો ભરાઈ જાય છે. રક્ષાબંધનના દિવસે બહારથી આવનાર કેદીઓની ઘણી બહેનો દ્વારા સ્ટાફ કર્મચારી અધિકારીઓને પણ રાખડી બાંધી ભાઈ બનાવી એવી આશા રાખે કે પોતાનો ભાઈ જેલમાં રહે ત્યાં સુધી સ્ટાફની મીઠી નજર એના ભાઈ ઉપર હમેશા રહે.પરંતુ રક્ષાબંધનના દિવસે જેલ સ્ટાફ ઉપરાંત બહારથી પોલીસ/મહિલા પોલીસ તૈનાત કરવામાં આવે છે. કારણ કે રક્ષાબંધનના બહાને રાખડી કે મીઠાઈમાં છુપાવી મોબાઇલનું સીમકાર્ડ કે કેફી પદાર્થ ઘૂસાડી દેવાનો પ્રયત્ન કરવામાં પણ આવી શકે છે. કોઈ બંદીવાનની પ્રેમિકા પણ નકલી બહેન બનીને હગ કરવા મળવા આવી જતી હોય છે. આ ઉપરાંત કોઈ બંદીવાનની હિતશત્રુ ધર્મની બહેન કે ધર્મનો ભાઈ બનીને આવીને મીઠાઈમાં ઝેર ભેળવી મીઠું મોં ન કરાવી જાય એ પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. ઘણીવાર પોતાની બહેન સાથે પત્ની પણ મળવા બહાને આવી જતી હોય છે. નકલી બહેનના પરિવેશમાં કોઈ મહિલા બુટલેગર કે મહિલા ટેરેરિસ્ટ પણ જેલમાં આવીને રાખડીના બહાને કોઈ ગુપ્ત બાતમી કે કોઈ ચીઠી કે અનધિકૃત ચીજ વસ્તુ આપી ન જાય એ પણ ખાસ જોવું પડે છે. આમ નકારાત્મક અને હકારાત્મક બન્ને લાગણીઓ સાથે જેલોમાં રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવે છે પણ જેલની શિસ્ત અને સલામતીને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે.


