ધ્રાંગધ્રાની HDFC બેંકમાં ખેડૂતોનો હોબાળો: ‘નો ડ્યુ’ સર્ટિફિકેટ ન મળતાં મેનેજર અને કર્મચારીઓનો ઘેરાવ

તા.25/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેર સ્થિત HDFC બેંકની શાખા ખાતે મંગળવારે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકારી યોજનાઓ તેમજ વિવિધ કૃષિ વિષયક કામગીરી માટે જરૂરી એવા ‘નો ડ્યુ’ પ્રમાણપત્ર આપવામાં બેંક તંત્ર દ્વારા કરવામાં આવતા વિલંબના વિરોધમાં રોષે ભરાયેલા ખેડૂતોએ બેંક પરિસરમાં સૂત્રોચ્ચાર કરી મેનેજર સહિત કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેમને સરકારી યોજનાઓના લાભ તેમજ અન્ય નાણાકીય કામગીરી માટે ‘નો ડ્યુ’ પ્રમાણપત્રની તાત્કાલિક જરૂરિયાત છે. આ માટે તેઓ છેલ્લા કેટલાક સમયથી બેંકના ધક્કા ખાઈ રહ્યા છે. છતાં બેંક અધિકારીઓ દ્વારા કોઈ ને કોઈ બહાના બતાવી ગલ્લા-તલ્લાં કરવામાં આવી રહ્યા છે. બેંક તંત્રના અસહકારપૂર્ણ વલણથી કંટાળીને આખરે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતોએ બેંક સામે મોરચો માંડ્યો હતો. ખેડૂતોએ બેંકની બહાર અને અંદર એકઠા થઈને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક પ્રમાણપત્ર આપવાની માંગ સાથે બેંક કર્મચારીઓને ઘેરી લીધા હતા. ખેડૂતોના અચાનક વિરોધ પ્રદર્શનને કારણે બેંક પરિસરમાં થોડા સમય માટે ભારે તંગદિલીભરી સ્થિતિ સર્જાઈ હતી અને સામાન્ય કામગીરી અટકી પડી હતી. આ ઘટનાને પગલે ખાનગી બેંકોની ગ્રાહક સેવાઓ અને ખાસ કરીને ખેડૂતો પ્રત્યેના વલણ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની સર્ટિફિકેટ મેળવવાની મુશ્કેલીનો વહેલી તકે કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.


