SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ: અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી, બે ઈસમો 8 જિલ્લામાંથી બે વર્ષ માટે હદપાર

તા.25/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સબડિવિઝન વિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતી જાળવી રાખવા તંત્રે લાલ આંખ કરી છે. અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવાના હેતુથી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એમ.જે. ભરવાડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વઢવાણના બે હિસ્ટ્રીશીટરો સામે હદપારનો આખરી હુકમ ફરમાવવામાં આવ્યો છે. વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરનારા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં લિપ્ત બે ઈસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ ૫૭(ગ) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં અનિલભાઈ દિલીપભાઈ આજોલા રહે, નવા દરવાજા બહાર, પહેલા કોળીપરા, વઢવાણ અને ક્રિપાલસિંહ રણજીતસિંહ ઉર્ફે માવસિંહ ઝાલા રહે, દાળમિલ રોડ, સોમનાથ પાર્ક, વઢવાણ વાળાને પોલીસ અહેવાલ રજૂ થયેલા પુરાવાઓ અને જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુથી બંને ઈસમોને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપ્યા બાદ તારીખ ૧૩/૦૮/૨૦૨૬ના રોજ હદપારનો આખરી આદેશ કરવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટના હુકમ મુજબ બંને આરોપીઓને બે વર્ષના સમયગાળા માટે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ શહેર તથા જિલ્લો, ભાવનગર, મોરબી, મહેસાણા, પાટણ, બોટાદ, અમદાવાદ શહેર તથા જિલ્લામાં હદપારના આ બે વર્ષ દરમિયાન બંને ઈસમોએ તમામ કાયદાકીય શરતોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તંત્રે સ્પષ્ટ ચીમકી આપી છે કે જાહેર શાંતિ અને કાયદો- વ્યવસ્થા ડહોળવાનો પ્રયાસ કરનાર સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે. આ સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે અસામાજિક પ્રવૃત્તિ અંગે તુરંત નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

Back to top button
error: Content is protected !!