સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સંસ્કૃત ગૌરવયાત્રા યોજાઈ
સંસ્કૃત ભાષાની જાગૃતિ અને સંવર્ધનના સંદેશ સાથે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્કૃતપ્રેમી નાગરિકો ઉત્સાહભેર જોડાયા

તા.25/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સંસ્કૃત ભાષાની જાગૃતિ અને સંવર્ધનના સંદેશ સાથે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્કૃતપ્રેમી નાગરિકો ઉત્સાહભેર જોડાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ભાષાની જાગૃતિ, સંવર્ધન અને તેના પ્રાચીન વારસા પ્રત્યે ગૌરવની ભાવના કેળવવાના હેતુથી શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. સુરેન્દ્રનગર શહેરની શ્રી અલ્ટ્રાવિઝન શાળાથી શરૂ થયેલી સંસ્કૃત ગૌરવયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ એસ. એન. વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રાનો વૈદિક મંત્રોચ્ચાર સાથે કલેક્ટર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શુભારંભ કરાવાયો હતો આ પ્રસંગે કલેક્ટર જી. એચ. સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે શ્રાવણી પૂર્ણિમાના સંસ્કૃત દિવસની આગળ- પાછળના ત્રણ-ત્રણ દિવસો મેળવીને કાયમ માટે સમગ્ર ‘સંસ્કૃત સપ્તાહ’ ઉજવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સંસ્કૃતને દેવોની ભાષા ગણાવતાં ઉમેર્યું હતું કે, આપણી સવારની પૂજા-વિધિના મંત્રો અને પવિત્ર વેદો સંસ્કૃતમાં જ રચાયેલા છે તેમજ દેવનાગરી લિપિ પરથી ઊતરી આવેલી આપણી ગુજરાતી ભાષા પણ સંસ્કૃત પર જ આધારિત છે. માતૃભાષાનો પ્રથમ વૈશ્વિક શબ્દ ‘મા’ પણ સંસ્કૃતમાંથી જ આવ્યો છે અને આ ભાષા આપણી અમૂલ્ય ધરોહર અને સંસ્કૃતિ હોવાથી આપણે તેની સાથે કાયમ જોડાયેલા રહીએ તે અનિવાર્ય છે. વધુમાં, અન્ય ભાષાઓનું મહત્ત્વ ઘટાડ્યા વિના આપણી શિક્ષણ અને ગુરુકુળ પરંપરાનું સંવર્ધન કરવું એ જ સરકારનો મુખ્ય આશય છે. આજે જર્મની અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ સંસ્કૃતના વર્ગો ચાલી રહ્યા છે અને કેરળનું એક આખું ગામ સંસ્કૃતમાં સંવાદ કરે છે, ત્યારે આપણે પણ રોજબરોજની બોલીમાં સંસ્કૃત શબ્દોનો પ્રયોગ કરીને તેને પ્રોત્સાહિત કરવી જોઈએ. ભગવદ્ ગીતાના ‘વયં રાષ્ટ્ર જાગૃહિતા’ મંત્રને ટાંકીને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશનો દરેક નાગરિક સંસ્કૃત દ્વારા પોતાની નાગરિકતા, માતૃભૂમિ અને માતૃભાષાને ઓળખે તે જરૂરી છે. આ ગૌરવયાત્રા દરમિયાન સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વેદ મંત્રોચ્ચાર, સંસ્કૃત ગીતો, સંસ્કૃત સુભાષિતોનું ગાન તેમજ સંસ્કૃત ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો, ઋષિઓની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના મહત્ત્વ અને તેના સમૃદ્ધ વારસાને વિવિધ સર્જનાત્મક માધ્યમો દ્વારા રજૂ કર્યો હતો. સંસ્કૃત પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ વધે તથા નવી પેઢી ભારતીય જ્ઞાન અને સાંસ્કૃતિક પરંપરાના મૂળ સાથે જોડાય તેવો સંદેશ સમગ્ર યાત્રા દરમિયાન પ્રસર્યો હતો. આ કાર્યક્રમમાં વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, કે. એન. બારોટ, માળોદ સ્વામિનારાયણ મંદિરના શ્રી આનંદપ્રિય સ્વામી, ગુરુકુળ પરંપરાના ગુરુજનો, સ્વામીઓ અને મહંતો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં શાળા- કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.



