
વિજાપુરમાં રક્ષા બંધન, શ્રાવણ અને ઈદે મિલાદના તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ
પોલીસ અધિકારી આર.જે. ચૌહાણે આગેવાનો સાથે ચર્ચા કરી, શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ જાળવવા અપીલ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં આગામી દિવસોમાં રક્ષા બંધન, શ્રાવણ માસના વિવિધ તહેવારો તેમજ ઈદે મિલાદના તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પોલીસ અધિકારી આર.જે. ચૌહાણની આગેવાની હેઠળ યોજાયેલી બેઠકમાં સમાજના આગેવાનો તથા સુન્ની મુસ્લિમ ઈદે મિલાદ ઝુલુસ કમિટીના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન શ્રાવણ માસના તહેવારો અને ઈદે મિલાદની ઉજવણી શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં થાય તે અંગે પોલીસ અધિકારી આર.જે. ચૌહાણે માર્ગદર્શન આપ્યું હતું. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થા અંગે પણ આગેવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિકારીએ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ભડકાઉ, વાંધાજનક કે ગેરમાર્ગે દોરતી પોસ્ટ શેર કે ફોરવર્ડ ન કરવા અપીલ કરી હતી. તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. તહેવારો દરમિયાન બંદોબસ્ત માટે તૈનાત પોલીસ કર્મચારીઓને સહકાર આપવા અને શાંતિ-સલામતી સાથે તહેવારોની ઉજવણી કરવા પણ આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સમાજના આગેવાનો તથા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુન્ની મુસ્લિમ ઈદે મિલાદ ઝુલુસ કમિટીના નવાબ ખાન પઠાણ અને એડવોકેટ તનજીલ અલી સૈયદે શહેરમાં ઈદે મિલાદ સહિતના તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવશે અને પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.


