સંસ્કૃત ગૌરવ યાત્રાથી જૂનાગઢ બન્યું સંસ્કૃતમય! સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસારના સંદેશ સાથે સ્વામિનારાયણ ગુરુકુળથી આર.જે. કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ સુધી યોજાઈ ભવ્ય યાત્રા
સંસ્કૃત ગૌરવ યાત્રાથી જૂનાગઢ બન્યું સંસ્કૃતમય! સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસારના સંદેશ સાથે સ્વામિનારાયણ ગુરુકુળથી આર.જે. કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ સુધી યોજાઈ ભવ્ય યાત્રા

જૂનાગઢના સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સંસ્કૃત ભાષાના ગૌરવ અને મહત્ત્વને ઉજાગર કરતી સંસ્કૃત ગૌરવ યાત્રા તથા સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર જોડાઈ સંસ્કૃતમય નારાઓના ગુંજારવ સાથે યાત્રાને જીવંત બનાવી હતી. સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને વ્યાપક પ્રચાર-પ્રસારના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રાથી સમગ્ર માર્ગ પર સંસ્કૃતમય વાતાવરણ સર્જાયું હતું. સ્વામિનારાયણ ગુરુકુળથી શ્રીમતી આર.જે. કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ સુધી યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં સ્વ. ટી.એલ. વાળા કન્યા વિદ્યાલય, સ્વ. કે.જી. ચૌહાણ કન્યા વિદ્યાલય, ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ-આઝાદ ચોક, શ્રી એન.પી. ભાલોડિયા હાઈસ્કૂલ, શ્રી સરગવાડા પ્રાથમિક શાળા, શ્રી કન્યા શાળા નં. ૩ તથા શ્રીમતી આર.જે. કનેરિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ “ભારતસ્ય ભાષા સંસ્કૃત ભાષા” અને “ધ્યાનસ્ય ભાષા સંસ્કૃત ભાષા” જેવા સંસ્કૃતમય નારાઓ લગાવી યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના નારાઓ અને સંસ્કૃત ભાષા પ્રત્યેના ઉત્સાહથી સમગ્ર માર્ગ સંસ્કૃતમય બની ગયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી હિમાંજય પાલીવાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં સંસ્કૃત ભાષાના સંરક્ષણ, સંવર્ધન અને વ્યાપક પ્રચાર-પ્રસાર માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પૈકીની એક મહત્વપૂર્ણ યોજના ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સંસ્કૃત ભાષાનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાનો તેમજ નવી પેઢીને સંસ્કૃત ભાષા અને તેના સમૃદ્ધ વારસા સાથે જોડવાનો છે. આજના દિવસે ગુજરાતની વિવિધ શાળાઓ ઉપરાંત તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયા, મેયરશ્રી ધર્મેશભાઈ પોશીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પલ્લવીબેન ઠાકર, અધિક નિવાસી કલેક્ટર શ્રીમતી બી.એસ. બારડ, જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી લતાબેન ઉપાધ્યાય, પૂર્વ ડીઈઓ શ્રી જાંજરુકિયા, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી આશાબેન, આ કાર્યક્રમના જિલ્લા નોડલ ઓફિસર ડૉ કોકિલાબેન ઉંધાડ, ગુરુકુળના સ્વામીશ્રી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, સ્વામીશ્રી ઋષિકેશદાસજી સ્વામી, સ્વામીશ્રી પ્રીતમદાસજી સ્વામી તથા શાળાના આચાર્યશ્રી અશ્વિનભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત ગૌરવ યાત્રાના સમાપન સમયે કનેરિયા સંસ્થાના પ્રમુખશ્રી શિરીશભાઈ સાપરિયા, ઉપપ્રમુખશ્રી કલ્પેશભાઈ પટેલ તથા આચાર્યશ્રી સંગીતાબેન મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવ સાથે તેના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે સૌને સંકલ્પબદ્ધ થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 






