GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

એક પેડ માં કે નામ ૩.૦ :: એક વૃક્ષ, એક બાળ ખડિયામાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના ૭૭ માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

એક પેડ માં કે નામ ૩.૦ :: એક વૃક્ષ, એક બાળ ખડિયામાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા કક્ષાના ૭૭ માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ, સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢ, સામાજિક વનીકરણ રેન્જ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ જિલ્લા કક્ષાના ૭૭ માં વન મહોત્સવની ઉજવણી તારીખ ૨૫/૦૮/૨૦૨૬ ના રોજ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજય પાલીવાલાના અધ્યક્ષ સ્થાને ખડિયા ખાતે સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલાએ જણાવ્યું હતું કે, આ તકે જવાહર નવોદય વિદ્યાલયના ૪૦૦ જેટલા બાળકો દ્વારા એક એક વૃક્ષ ઉછેર કરવાની જવાબદારી લેવામાં આવી છે. વસુધૈવ કુટુંબકમ આ નારાનો અર્થ ખૂબ જ વિશાળ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આખી સૃષ્ટિ, યુનિવર્સ એ મારો પરિવાર છે અને તેમાં રહેલા પ્રત્યેક જીવ, પ્રત્યેક આત્મા એ પણ મારું કુટુંબ છે. સંસ્કૃતિ અને પ્રકૃતિનું મિલન એ નાતે દર વર્ષે વન મહોત્સવ ઉજવવામાં આવે છે. જે પ્રકૃતિનું રક્ષણ કરે છે એનું પ્રકૃતિ રક્ષણ કરે છે. પર્યાવરણનું રક્ષણ કરવું, જતન કરવું એ માત્ર સરકારશ્રીની જ ફરજ નથી, પરંતુ આપણા સૌ નાગરિકોની સમાન સ્વ ફરજ પણ છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરના ધારાસભ્ય શ્રી સંજયભાઇ કોરડીયાએ જણાવ્યું હતું કે, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી એક પેડ માં કે નામ અભિયાનનો શુભારંભ ૦૫-૦૬-૨૦૨૪ થી નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યો હતો. એક માં જેમ નાના બાળકને જન્મ આપે છે તેનું પાલન પોષણ કરે છે તેવી જ રીતે દેશનો દરેક નાગરિક વૃક્ષને પોતાના બાળકની જેમ તેનું લાલન પાલન કરે તેવા શુભ હેતુથી આ અભિયાનની શરૂઆત કરાઇ હતી. મિયાવકી પદ્ધતિથી સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં વન કવચનું નિર્માણ કરાઇ રહ્યું છે. જેમાં સામાન્ય જંગલ કરતાં બમણી ગતિએ અને વધુ ગાઢ આચ્છાદન ધરાવતા વૃક્ષો બની શકે છે. આ તકે તેઓએ શાળાના બાળકોને તેમની માતાની સ્મૃતિમાં એક એક વૃક્ષના વાવેતર, ઉછેર અને જતન માટે ખાસ અપીલ કરી હતી. આ તકે વન વિભાગના શ્રેષ્ઠ કામગીરી કરેલા વિવિધ કર્મચારીઓ અને શાળાના તેજસ્વી તારલાઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. તેઓ સર્વેને મંચસ્થ મહેમનોએ પ્રશસ્તિ પત્ર અને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોને તુલસીના રોપા, મોમેન્ટો અર્પણ કરાઈને અને દીપ પ્રાગટ્ય વડે કરાઇ હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત વડે સ્વાગત સંગીત પ્રસ્તુતિ રજૂ કરી હતી. ત્યારબાદ સ્વાગત નૃત્ય પ્રસ્તુતિ, યોગ પ્રદર્શની વડે વિવિધ ઝાંખી આપી હતી. સ્વાગત પ્રવચન અને સમગ્ર કાર્યક્રમની ભૂમિકા અને પ્રાસંગિક પ્રવચન જૂનાગઢ જિલ્લા પંચાયતન પ્રમુખ શ્રીમતી લીનાબેન કાવાણી અને ગીર સોમનાથ નાયબ વન સંરક્ષક સુશ્રી નાણાવટીએ આપી હતી. કાર્યક્રમના અંતે વંદે માતરમ અને જન ગણ મનનું ઉપસ્થિત સર્વે દ્વારા ગાન કરવામાં આવ્યું હતું. આ તકે આભારવિધિ મદદનીશ વન સંરક્ષક શ્રી એસ.એમ.મકરાણીએ કરી હતી. આ તકે જવાહર નવોદય વિદ્યાલયમાં નવનિર્મિત આર્ટ ગેલેરીનું મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના પરિસરમાં વિવિધ પ્રકારનું વૃક્ષારોપણ કરાયું હતું. તેમજ નિઃશુલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષરથને લીલી ઝંડી આપવામાં આવી હતી. તેમજ અલગ અલગ પ્રકારની ઔષધિ અને વૃક્ષોના બીજ વિતરણ માટેનો સ્ટોલ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન મુખ્ય વન સંરક્ષકશ્રી વર્કિંગ પ્લાન ગાંધીનગર શ્રી ડો.સંદીપ કુમાર, મદદનીશ વન સંરક્ષક શ્રી અમન ગુપ્તા વિસાવદર, શાળાના આચાર્ય શ્રી વિનોદભાઇ લેવે, વિદ્યાર્થીઓ, વાલીઓ, વન વિભાગના કર્મચારીગણ, અન્ય મહાનુભાવો અને આમંત્રિતો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!