
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઇના આશાનગર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ગંદકી અને કચરાના ઢગલાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. આ ગંભીર સમસ્યાના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે આશાનગરના રહીશોએ એકત્ર થઈ વઘઇ ગ્રુપ ગ્રામ પંચાયતને આવેદનપત્ર પાઠવ્યું હતું. રહીશોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આશાનગર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ગંદકી ભરપૂર પ્રમાણમાં એકઠી થઈ છે. ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઉભી થઈ છે. આ ઉપરાંત આ સ્થળે ગંદકીના કારણે અનેક પ્રાણીઓ પણ બીમાર પડી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગંદકી દૂર કરવા અને સફાઈ કરાવવા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. કચરો એકત્રિત થઈ જતો હોવા છતાં તેને સમયસર દૂર કરવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ વધુ વણસી રહી છે. આશાનગરના રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે પાણીની ટાંકીની આસપાસ તાત્કાલિક સફાઈ કરાવી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેમજ નિયમિત સફાઈની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. ખાસ કરીને પાણીની ટાંકી નજીક ગંદકી હોવાના કારણે જાહેર આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે, તેથી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવાય તેવી માંગ ઉઠી છે. રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે સફાઈની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. સ્થાનિકોમાં પ્રશ્નને લઈને વધતા રોષને જોતા હવે વઘઇ ગ્રુપ ગ્રામ પંચાયત તંત્ર આ સમસ્યાના ઉકેલ માટે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.“સફાઈ માત્ર કાગળ પર નહીં, સ્થળ પર દેખાવી જોઈએ” — આશાનગરના રહીશોએ તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી માટે ઉગ્ર માંગ કરી છે.



