GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

કૃષિ માહિતીના પ્રસારને વધુ સશક્ત બનાવવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

કૃષિ માહિતીના પ્રસારને વધુ સશક્ત બનાવવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

કૃષિ ક્ષેત્રમાં થઈ રહેલા સંશોધનો, આધુનિક ટેક્નોલોજી, વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ તથા કૃષિ નિષ્ણાતોનું માર્ગદર્શન ખેડૂતો અને ગ્રામ્ય જનસમુદાય સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાના હેતુસર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એગ્રીસ-નેટ સ્ટુડિયો અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્ટીયરિંગ કમિટી તથા એડવાઈઝરી કમિટીની બેઠક આજે યોજાઈ હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં એગ્રીસ -નેટ સ્ટુડિયો અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખેડૂતોને સમયસર, વિશ્વસનીય અને વૈજ્ઞાનિક કૃષિ માહિતી મળી રહે તે માટે કાર્યક્રમોની ગુણવત્તા, વિષયવસ્તુ, પ્રસારણની અસરકારકતા તથા ભવિષ્યના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ખેડૂતલક્ષી કાર્યક્રમોનું વધુ અસરકારક નિર્માણ, કૃષિ સંશોધન અને નવીન ટેક્નોલોજીની માહિતીનો સરળ ભાષામાં પ્રસાર, કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શનનો મહત્તમ ઉપયોગ તેમજ એગ્રીસ-નેટ સ્ટુડિયો અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની પહોંચ વધુ વ્યાપક બનાવવા અંગે વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુલપતિશ્રી ડૉ.વી.પી.ચોવટિયાએ કૃષિ યુનિવર્સિટીમાં થતું સંશોધન અને વૈજ્ઞાનિક જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડવામાં એગ્રીસ-નેટ સ્ટુડિયો તથા કોમ્યુનિટી રેડિયો જેવા માધ્યમોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવી, ખેડૂતોની જરૂરિયાતોને અનુરૂપ વધુ ગુણવત્તાસભર અને ઉપયોગી કાર્યક્રમો તૈયાર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કૃષિ ક્ષેત્રની નવીનતમ માહિતી અને નિષ્ણાતોનું માર્ગદર્શન વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે સંચાર માધ્યમોના અસરકારક ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ એગ્રીસ-નેટ સ્ટુડિયો અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની કામગીરી અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. ખાસ કરીને ખેડૂતોની રોજિંદી જરૂરિયાતોને અનુરૂપ કાર્યક્રમો, સ્થાનિક કૃષિ પ્રશ્નોના નિષ્ણાતો દ્વારા નિરાકરણ, નવીન કૃષિ ટેક્નોલોજી તથા સંશોધન આધારિત માહિતીનો પ્રસાર વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન, વૈજ્ઞાનિક જ્ઞાન અને નિષ્ણાતોના માર્ગદર્શનને ખેડૂતો સુધી સરળ, ઝડપી અને અસરકારક રીતે પહોંચાડવા તેમજ એગ્રીસ-નેટ સ્ટુડિયો અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશનને કૃષિ જ્ઞાનના લોકાભિમુખ પ્રસારના સશક્ત માધ્યમ તરીકે વિકસાવવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્ટેશન ઇન્ચાર્જશ્રી ડૉ. જે.વી. ચોવટિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.વી.પી.ચોવટિયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એન.બી.જાદવ,સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.એચ.સી.સોડવડીયા, ઓલ ઈન્ડિયા ડિલર્સ એસોસિએશનના સેક્રેટરીશ્રી અરવિંદભાઈ ટીંબડિયા, પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઈ ગોંડલિયા, સરકારી હાઈસ્કૂલ, દુધાળાના આચાર્યશ્રી ડૉ.કોકિલાબેન ઉંધાડ સહિત કમિટીના અન્ય સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન અને સંચાલનમાં સંકળાયેલા સૌના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!