
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ‘સંસ્કૃત સપ્તાહ’ નિમિત્તે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ભિલોડા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ઉપક્રમે ઉત્સાહભેર સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભિલોડા આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. દિનેશચંદ્ર ચૌબીસાની પ્રેરણાદાયી અધ્યક્ષતામાં યોજાયેલી આ યાત્રાનું પ્રસ્થાન પ્રેરણા હાઈસ્કૂલ ખાતેથી મામલતદારના વરદ્ હસ્તે કરાવ્યું હતું.ગૌરવ યાત્રામાં કોલેજના આચાર્ય, શૈક્ષણિક સ્ટાફગણ સહિત વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.ગૌરવ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રસ્તામાં વિવિધ સંસ્કૃત શ્લોકોનું મધુર ગાન અને પ્રેરણાદાયી સંસ્કૃત સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર ભિલોડા નગરનું વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું. પ્રાચીન ભાષા સંસ્કૃત પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના ફેલાવતી આ યાત્રાને સફળ બનાવવા બદલ આચાર્ય, સામાજિક અગ્રણીઓ સહભાગી થયેલા સર્વે વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ પરિવારને બિરદાવ્યા હતા.



