પ્રેમ પ્રકરણમાં હિંસક હુમલો: કાલોલમાં પતિને પાઇપ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડતા બે શખ્સો સામે ગુનો દાખલ.

તારીખ ૨૯/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ ચોકડી નજીક દોલતપુરા રોડ પર પ્રેમસંબંધની આશંકા અને તકરારને કારણે એક યુવક પર લોખંડની પાઇપ અને ગડદાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને કપાળ, સાથળ અને હાથે ગંભીર ઇજાઓ પહોંચી છે. બનાવ અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં સંજયભાઈ ઉર્ફે ટેમુ સોલંકી અને તેના એક અજાણ્યા સાથીદાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી વિગતો અનુસાર, મલાવ ગામના ભદર ફળીયામાં રહેતા ૩૫ વર્ષીય જયેશકુમાર કિરણભાઈ રાઠોડ (ધંધો: મજૂરી) નાઓની પત્ની મીનાબેનને ગોકળપુરા ગામના સંજયભાઈ ઉર્ફે ટેમુ ઉદેસિંહ સોલંકી સાથે છેલ્લા ત્રણેક વર્ષથી આડા સંબંધો હતા. તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બપોરે જયેશકુમારે તેની પત્નીને સંજય સાથે ખેતરમાં વાત કરતી જોઈ જતાં ઘરે લાવીને ઠપકો આપ્યો હતો. જે બાદ પત્ની ઘરેથી નીકળી ગઈ હતી.સાંજના આશરે ૬:૩૦ વાગ્યાના અરસામાં જયેશકુમાર પોતાની પત્નીની શોધખોળ કરતા મલાવ ચોકડીથી દોલતપુરા ગામ તરફ જતા રોડ પર પહોંચ્યા હતા. ત્યાં તેમની પત્ની એક અલ્ટો ગાડી પાસે ઉભા રહી સંજય સોલંકી સાથે વાતચીત કરી રહી હતી. જયેશકુમારે સંજય સાથે ફરી વાત કરવા બાબતે વિરોધ દર્શાવતા, સંજય સોલંકી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલી ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારવા લાગ્યો હતો.દરમિયાન, અલ્ટો ગાડીમાં બેસેલા બીજા એક અજાણ્યા શખ્સે ગાડીમાંથી લોખંડની પાઇપ કાઢી જયેશકુમાર પર હુમલો કર્યો હતો. હુમલામાં જયેશકુમારને ડાબા પગના સાથળ, ડાબા હાથના કાંડા અને કપાળના ભાગે લોહી નીકળે તેવી ગંભીર ઇજાઓ થઈ હતી. બંને આરોપીઓએ યુવકને “હવે પછી અમારૂ નામ લઈશ તો જાનથી મારી નાખીશું” એવી ધમકી આપી અલ્ટો ગાડીમાં ફરાર થઈ ગયા હતા.ઇજાગ્રસ્ત જયેશકુમારે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કાલોલ પોલીસે બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તથા જી.પી.એ. કલમ ૧૩૫ હેઠળ કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.







