કાલોલમાંથી બાઈક ચોરી: વિનાયક હોસ્પિટલ સામેથી મોટરસાયકલ ગાયબ,પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

તારીખ ૨૯/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ સ્થિત વિનાયક હોસ્પિટલ આગળ પાર્ક કરેલી એક મોટર સાયકલની અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હાલોલના વેપારી નૈમેશ ચીમનલાલ શાહે કાલોલ પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી નૈમેશ શાહ (રહે. અક્ષર ગ્રીન-૧, કંજરી રોડ, હાલોલ) ના પુત્ર ડો. નિસર્ગ શાહ કાલોલ વિનાયક હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે. તારીખ ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે આશરે ૬:૩૦ વાગ્યે ડો. નિસર્ગ પોતાના પિતાની હોન્ડા કંપનીની એસ.પી.૧૨૫ મોટર સાયકલ (નંબર: GJ-17-CN-6222) લઈને હોસ્પિટલ આવ્યા હતા. તેમણે બાઇક હોસ્પિટલની બહાર સ્ટીયરીંગ લોક કરીને પાર્ક કરી હતી.બીજા દિવસે (૨૩ ઓગસ્ટ ૨૦૨૬) સવારે સાતેક વાગ્યે તપાસ કરતા પાર્કિંગ કરેલી જગ્યા પરથી મોટર સાયકલ ગાયબ મળી આવી હતી. આસપાસના વિસ્તારમાં તેમજ કાલોલ બજારમાં સઘન શોધખોળ કરવા છતાં બાઇકની કોઈ ભાળ મળી નહોતી.અંતે, રૂ. ૩૫,૦૦૦ ની કિંમત ધરાવતી મોટર સાયકલની ચોરી થઈ હોવાની ખાતરી થતાં નૈમેશભાઈએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાલોલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.







