સુરેન્દ્રનગર જિલ્લા લઘુમતી મોરચા દ્વારા વર્ષાબહેન દોશીની શુભેચ્છા મુલાકાત: રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનવા બદલ પાઠવ્યા અભિનંદન

તા.30/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન વર્ષાબહેન દોશીની રાષ્ટ્રીય કક્ષાએ ‘રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ’ જેવી મહત્વપૂર્ણ જવાબદારી પર વરણી થતાં જ જિલ્લા ભરના કાર્યકરો અને સંગઠનના વિવિધ મોરચાઓમાં હરખની હેલી જોવા મળી રહી છે. આ નિમણૂકને વધાવતા સુરેન્દ્રનગર જિલ્લા લઘુમતી મોરચા દ્વારા વર્ષાબહેન દોશીના નિવાસસ્થાને જઈ તેમની ખાસ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ, હોદ્દેદારો અને ક્ષેત્રના અગ્રણી કાર્યકર્તાઓએ વર્ષાબહેન દોશીને પુષ્પગુચ્છ અર્પણ કરી મોં મીઠું કરાવીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. મોરચાના આગેવાનોએ આ તકે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વર્ષાબહેનની દીર્ઘદ્રષ્ટિ અને સંગઠન પ્રત્યેની સમર્પણ ભાવનાને કારણે તેમને આ ઉચ્ચ પદ મળ્યું છે, જે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા માટે ગૌરવની બાબત છે. શુભેચ્છા પાઠવતા અગ્રણીઓએ આશા વ્યક્ત કરી હતી કે, તેમની નવી જવાબદારી અને માર્ગદર્શન હેઠળ પાર્ટીનું સંગઠન વધુ મજબૂત અને વ્યાપક બનશે. સાથોસાથ તેઓ સમાજ, પ્રદેશ અને દેશની સેવામાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપતા રહેશે તેવી શુભકામનાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. અત્યંત સ્નેહપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન માત્ર અભિનંદન જ નહીં, પરંતુ આગામી સમયમાં સંગઠનાત્મક કાર્યોને વધુ ગતિશીલ બનાવવા તેમજ સામાજિક સમરસતા અને જનકલ્યાણના કાર્યો અંગે પણ વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા લઘુમતી મોરચાના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


