દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે CWDC વિભાગ દ્વારા એન્ટી રેગિંગ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

તા.૦૧.૦૯.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે CWDC વિભાગ દ્વારા એન્ટી રેગિંગ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે CWDC (Cell for Women Development and Counselling) વિભાગના ઉપક્રમે વિદ્યાર્થીઓમાં રેગિંગ વિરોધી જાગૃતિ કેળવવાના હેતુસર એન્ટી રેગિંગ અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને રેગિંગના વિવિધ સ્વરૂપો, તેની સામાજિક તથા માનસિક અસરો તેમજ રેગિંગ સામેની કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષિત, ભયમુક્ત અને સન્માનજનક વાતાવરણ જાળવવાની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી વ્રજ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રેગિંગ શું છે, તેના વિવિધ સ્વરૂપો તથા તેના કારણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શૈક્ષણિક જીવન પર થતી નકારાત્મક અસરો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે વિદ્યાર્થીઓને પરસ્પર મિત્રતા, સહકાર અને સન્માનની ભાવના વિકસાવવા તેમજ કોઈપણ પ્રકારની શારીરિક, માનસિક કે મૌખિક હેરાનગતિથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને મહિલા સલામતી હેલ્પલાઇન ૧૦૯૧ અંગે માહિતી આપવામાં આવી હતી. યુજીસીની માર્ગદર્શિકા અનુસાર શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યરત એન્ટી રેગિંગ કમિટી તથા રેગિંગ સામેની કાયદાકીય જોગવાઈઓ વિશે પણ સમજ આપવામાં આવી હતી.આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા હેઠળની સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કૉલેજના આચાર્ય ડૉ. બી. આર. બોદર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓના જીવનમાં શિસ્ત, સંસ્કાર અને માનવીય મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો.કૉલેજમાં સહકાર, પરસ્પર સન્માન અને સુરક્ષિત વાતાવરણ જાળવવાની જવાબદારી કૉલેજ પરિવારના દરેક સભ્યની છે તેમ જણાવી, વિદ્યાર્થીઓને રેગિંગ જેવી પ્રવૃત્તિઓથી સંપૂર્ણપણે દૂર રહેવા તથા કોઈપણ પ્રકારની હેરાનગતિ જણાય તો તાત્કાલિક જવાબદાર વ્યક્તિ અથવા એન્ટી રેગિંગ કમિટીને જાણ કરવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે સહ-આચાર્ય ડૉ. એચ. કે. પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન અને ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ પ્રેરણા મળી હતી.કાર્યક્રમનું આયોજન અને સંકલન કૉલેજના CWDC કોઓર્ડિનેટર ડૉ. અપર્ણા અગ્નિહોત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. CWDC કમિટીના સભ્યો ડૉ. મેઘા ઠાકર, ડૉ. કિંજલ ધામેચા તથા સ્વનિર્ભર કૉલેજના પ્રાધ્યાપક હેતલબેન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રેગિંગમુક્ત અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.આ પ્રસંગે ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. ડી. બી. મુનિયા, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ અનુરાધા શર્મા તેમજ કૉલેજના વિવિધ વિભાગોના અધ્યાપકઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુચારૂ સંચાલન ડૉ. જલ્પા સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. મેઘા કે. ઠાકર દ્વારા કરવામાં આવી હતી.આ એન્ટી રેગિંગ અવેરનેસ પ્રોગ્રામમાં કૉલેજના મોટાભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓમાં પરસ્પર સન્માન, સહકાર, ભાઈચારો અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ જાળવવાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. “રેગિંગ એ મજાક નથી, પરંતુ એક ગંભીર સામાજિક અને માનસિક સમસ્યા છે” તે અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.આમ, નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના CWDC વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સફળ અને જ્ઞાનવર્ધક રહ્યો હતો તથા કૉલેજને રેગિંગમુક્ત અને સુરક્ષિત શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો



