GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “મહાસંઘની રજૂઆત રંગ લાવી: ગુણોત્સવ માટે વધુ 8 દિવસનો સમયવધારો”

તા.૧/૮/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

શિક્ષક હિતની માંગ સરકારે સ્વીકારી — અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રૂબરૂ રજૂઆત બાદ તા. 8 સપ્ટેમ્બર સુધી સમયમર્યાદા લંબાવાઈ

“શિક્ષક હિતમાં અવાજ પણ… અને પરિણામ પણ” — અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે ફરી એકવાર આ વાતને સાબિત કરી છે.

Rajkot: G-SQAAF અંતર્ગત ગુણોત્સવની સ્વ-મૂલ્યાંકન કામગીરી માટે તા. 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ, 2026 સુધી સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. શાળાઓમાં પુરાવા આધારિત મોટી સંખ્યામાં ઓનલાઈન માહિતી અપલોડ કરવાની કામગીરી તથા તહેવારોની રજાઓને કારણે પૂરતો સમય ન મળવાની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સરકારશ્રી સમક્ષ સમયવધારા માટે રજૂઆત કરવામાં આવી હતી.

માત્ર લેખિત રજૂઆત પૂરતી ન રાખતાં સંગઠન દ્વારા માનનીય શિક્ષણ મંત્રીશ્રી પ્રદ્યુમન વાજા સાહેબ તથા સચિવશ્રી મિલિંદ સાહેબને રૂબરૂ મળી શિક્ષકો અને શાળાઓની વાસ્તવિક મુશ્કેલીઓ અંગે અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. સંગઠનની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ મળતાં SQAAF ગુણાંકન-2026 અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની સમયમર્યાદા તા. 31 ઓગસ્ટથી વધારીને તા. 8 સપ્ટેમ્બર, 2026 સુધી કરવામાં આવી છે. સત્તાવાર પત્રમાં વિવિધ શિક્ષક સંઘો અને શાળા સંચાલક મંડળ તરફથી મળેલી રજૂઆતો તેમજ તહેવારોની રજાઓને ધ્યાનમાં લઈ સમયગાળો લંબાવવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

“શિક્ષક મિત્રોના દરેક પ્રશ્નો અને મુશ્કેલીઓમાં સંગઠન હંમેશાં પડખે”

આ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ. રાજકોટના અધ્યક્ષ શ્રી સંજયભાઈ હુંબલ, મહામંત્રી શ્રી સાગરભાઈ પોપટ અને સંગઠન મંત્રી શ્રી રામલાલભાઈ શિંગાળાએ જણાવ્યું હતું કે,”શિક્ષક મિત્રોના દરેક પ્રશ્નો અને મુશ્કેલીઓ માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હંમેશાં શિક્ષક મિત્રોની પડખે જ છે. શિક્ષકોની વાસ્તવિક સમસ્યાઓને સરકારશ્રી સુધી પહોંચાડવી અને તેના યોગ્ય ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ સંગઠનની જવાબદારી છે. ગુણોત્સવની કામગીરી માટે સમયવધારો આપવાનો આ નિર્ણય શિક્ષક હિતમાં થયેલો આવકારદાયક નિર્ણય છે.”

સંગઠન દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો હકારાત્મક નિર્ણય થતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સરકારશ્રી, માનનીય શિક્ષણ મંત્રીશ્રી તથા શિક્ષણ વિભાગના સચિવશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.રજૂઆતથી પરિણામ સુધી — શિક્ષક હિત માટે સંગઠન સતત સક્રિય, શિક્ષકનો પ્રશ્ન હોય કે મુશ્કેલી — સંગઠન હંમેશાં શિક્ષક મિત્રોની પડખે.

Back to top button
error: Content is protected !!