GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સમય સાથે હાઈટેક બનતી પોલીસ : લોકમેળામાં ડ્રોન, સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ, બોડી વોર્ન કેમેરા, બીકન સોલ્ડર લાઈટથી સજ્જ રહેશે પોલીસ

તા.૧/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

લોકમેળામાં કાયદો વ્યવસ્થાપન સહિત ક્રાઉડ મેનેજમેન્ટ, મેળા તરફ જવાના રસ્તાઓ પર ટ્રાફિક ફ્લો મેનેજમેન્ટ સૌથી મોટી ચેલેન્જ

ડ્રોન વડે એરિયલ સર્વેલન્સ દ્વારા એન્ટ્રી પોઈન્ટ ક્રાઉડ મેનેજમેન્ટ

સી.સી.ટી.વી. કંટ્રોલ રૂમ દ્વારા સલામતી અને સુરક્ષાનું ધ્યાન રખાશે

બીકન સોલ્ડર લાઈટથી સજ્જ પોલીસ જવાનોની હાજરી દ્રશ્યમાન થશે

બોડી વોર્ન કેમેરા રેકોર્ડિંગ સાથે ગુનેગારોની ઓળખ જાણવા મળશે

વાહનોને નિયત ફ્રી પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ માટે ટ્રાફિક પોલીસ સતત તૈનાત રહેશે

Rajkot: આવતીકાલથી રાજકોટના આંગણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ‘વિરાસતથી વિકાસ-૨૦૨૬’ લોકમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. પાંચ દિવસય લોકમેળામાં ૧૫ લાખથી વધુ લોકો મુલાકાત લેશે, ત્યારે લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ છે.

આ તકે ડી.સી.પી. ઝોન ૨ શ્રી રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, મેળામાં પોલીસ હાઈટેક ડિવાઈસીસ સાથે સજ્જ રહેશે. લોકોની સલામતી અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ક્રાઉડ મેનેજમેન્ટ માટે ડ્રોનથી એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે. જે ભાગમાં જનમેદની વધારે હશે તે તરફથી એન્ટ્રી ડાયવર્ટ કરવામાં આવશે. જયારે વોચ ટાવર પર દૂરબીન વડે પોલીસ જવાનો ક્રાઉડની પરિસ્થિતિની માહિતી વોકીટોકીના માધ્યમથી સતત અપડેટ કરશે.

મેળામાં લોકોની સલામતી અર્થે ઉપસ્થિત જવાનો બીકન સોલ્ડર લાઈટથી સજ્જ હશે, જેના કારણે રાત્રીના સમયે લોકો તેમની આસપાસ ઉપસ્થિત પોલીસ જવાનોને ઓળખી શકે તેમજ જરૂર પડ્યે તેમનો સંપર્ક કરી શકે. આ સાથે પોલીસ જવાનોને જરૂરિયાત મુજબ બોડી વોર્ન કેમેરા પણ આપવામાં આવશે. જેમાં ગુનાહિત વ્યક્તિની ઓળખ તેમજ તેમનું રેકોર્ડિંગ પણ થઇ શકે. કોઈ અજુગતી ઘટનામાં આ કેમેરા રેકોર્ડિંગ ડિટેક્શન માટે કામ લાગી શકે.

ખાસ કરીને સમગ્ર મેળાને આવરી લેતા ૧૦૦ જેટલા સી.સી.ટી. વી. કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાં વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર તમામ ગતિવિધિ પર વોચ રાખી શકાય તેમ ડી.સી.પી. શ્રી દેસાઈએ જણાવ્યું છે. મેળામાં એન્ટ્રી પોઇન્ટ પર સજ્જ એચ.એચ.એમ.ડી. મેટલ ડિટેક્ટરથી અંદર આવતા લોકોનું ચેકીંગ કરવામાં આવશે.

મેળામાં ટ્રાફિક મેનેજમેન્ટ ઉપરાંત મેળામાં આવતા વાહનોને ફ્રી પાર્કિંગ ઝોન તરફ વાળવા માટે ટ્રાફિક બ્રિગેડ તૈયાર રાખવામાં આવશે. જેમાં ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી. જવાનોને કામગીરી સોંપવામાં આવશે તેમ ટ્રાફિક ડી.સી.પી. શ્રી હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું છે. મેળામાં આવતા લોકો માટે ટ્રાફિકમાં અડચણરૂપ ગેરકાયદે પાર્ક કરાયેલા વાહનોને દૂર ખસેડવા માટે તેમજ જરૂર પડ્યે ટોઈંગ કરવામાં આવશે, તેમ વિશેષમાં શ્રી જાડેજાએ લોકોને પાર્કિંગ ઝોનમાં જ ગાડી પાર્ક કરવા માટે જણાવ્યું છે.

લોકો આનંદ પ્રમોદ સાથે શાંતિથી મેળામાં મહાલી શકે તે માટે લોકોની સુરક્ષાર્થે રાજકોટ શહેરના ૦૪ ડી.સી.પી., ૦૪ એ.સી.પી. પી.આઈ. પી.એસ.આઈ. સહીત ૧૭૦૦ જેટલા પોલીસ, હોમગાર્ડ અને ટી.આર.બી. જવાનો બે શિફ્ટમાં બંદોબસ્તમાં તૈનાત રહેશે તેમ પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝાએ વિશેષમાં માહિતી આપતા જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!