WAKANER વાંકાનેર જડેશ્વર મેળાના સફાઈ અભિયાન બાદ ‘કલ્યાણ ટ્રસ્ટ’ની પહેલ: મોરબીના તમામ લોકમેળામાં ફરજિયાત ડસ્ટબિન અને સફાઈનો નિયમ અમલી બનશે




WAKANER વાંકાનેર જડેશ્વર મેળાના સફાઈ અભિયાન બાદ ‘કલ્યાણ ટ્રસ્ટ’ની પહેલ: મોરબીના તમામ લોકમેળામાં ફરજિયાત ડસ્ટબિન અને સફાઈનો નિયમ અમલી બનશે

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વાંકાનેર નજીક આવેલા જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં યોજાયેલા લોકમેળા બાદ ‘કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા એક વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન સંસ્થાના સ્વયંસેવકોએ ભારે જહમત ઉઠાવીને મેળાગ્રાઉન્ડમાંથી ૧૮x૩૬ સાઈઝની ૫૭ જેટલી મોટી પ્લાસ્ટિક કચરાની બેગ ભરીને સફાઈ કરી હતી.

આ સફળ અભિયાન બાદ સંસ્થાને અનુભવાયું કે માત્ર સ્વયંસેવકો દ્વારા દર વખતે મેળા બાદ સફાઈ કરવી એ કોઈ કાયમી ઉકેલ નથી. પર્યાવરણના જતન અને મેળાઓને સ્વચ્છ રાખવા માટે વહીવટી તંત્રના કડક નિયમો અને સહકાર અનિવાર્ય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે ટ્રસ્ટના પ્રમુખ ગૌરવ જાની અને તેમની ટીમે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી તથા મામલતદારશ્રી અલ્પેશભાઈ પરમાર સાથે ખાસ મુલાકાત કરી હતી.
તંત્ર દ્વારા કડક અમલીકરણની ખાતરી આ બેઠક અત્યંત ફળદાયી રહી હતી અને વહીવટી તંત્ર દ્વારા સંસ્થાની માંગણીને પૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. મામલતદારશ્રી અલ્પેશભાઈ પરમારે ખાતરી આપી છે કે:
ફરજિયાત ડસ્ટબિન: આગામી સાતમ-આઠમ સહિત મોરબી જિલ્લામાં યોજાનાર તમામ લોકમેળાઓમાં દરેક સ્ટોલધારકે પોતાની દુકાન બહાર ફરજિયાત ડસ્ટબિન રાખવું પડશે.
નિયમિત નિકાલ: રાત્રિના સમયે એકત્ર થયેલા કચરાનો યોગ્ય અને સમયસર નિકાલ કરવાનો રહેશે.કડક કાર્યવાહી: નિયમોનું પાલન ન કરનારા આયોજકો અને સ્ટોલધારકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે તમામ મેળા આયોજકોને સત્તાવાર સૂચના આપવાની ખાતરી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.જો જનજાગૃતિ અને વહીવટી તંત્ર સાથે મળીને કામ કરે તો મોરબી જિલ્લાને કચરામુક્ત બનાવી શકાય છે. “મેળો એ ઉત્સવ અને આનંદ માણવાનું સ્થળ છે, કચરો કરવાનું નહીં” – આ સંદેશ સાથે કલ્યાણ ટ્રસ્ટે વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે.


