MORBI:જે રસ્તાના ખાડા ન દેખાયા, ત્યાં જ ગાડી અથડાઈ! મોરબી આવતા રાજકોટ માર્ગ-મકાન વિભાગના ઈજનેર અકસ્માતનો ભોગ બન્યા




MORBI:જે રસ્તાના ખાડા ન દેખાયા, ત્યાં જ ગાડી અથડાઈ! મોરબી આવતા રાજકોટ માર્ગ-મકાન વિભાગના ઈજનેર અકસ્માતનો ભોગ બન્યા

જનતાની વેદના અણદેખી કરનાર તંત્રને હાઈવેએ જાતે જ બતાવ્યો ‘પરચો’: રાજકોટના ઈજનેરની ગાડીનો રિક્ષા સાથે અકસ્માત
લાંબા સમયથી અત્યંત ખરાબ અને બિસ્માર હાલતમાં ફેરવાયેલા મોરબી-રાજકોટ હાઈવેની હાલાકીનો સામનો કરી રહેલી જનતાની વેદના વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે રસ્તાઓની દુર્દશા અને ખાડાઓ પ્રત્યે સતત આંખ આડા કાન કરવામાં આવતા હતા, તે જ રસ્તાની અવદશાનો ભોગ આખરે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારી પોતે જ બન્યા છે.

અધિકારીની તિલકવિધિ: કલેક્ટરે મોરબીના રસ્તાઓની બિસ્માર હાલત અને લોકોની હેરાનગતિ મુદ્દે આકરા પાણીએ થઈને કડક કારણદર્શક નોટિસ ફટકારી હતી. આ સંદર્ભે યોજાયેલી પ્રથમ બેઠકમાં હાજરી આપવા રાજકોટના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર મોરબી આવી રહ્યા હતા. સવારે તેમની ‘Government of Gujarat’ લખેલી સરકારી ગાડી હરબટીયાળી નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એક રિક્ષા સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
સામાન્ય ઈજા: આ ઘટનામાં સરકારી વાહનને નુકસાન પહોંચ્યું હતું અને ઈજનેરને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક વિગતો મળી છે. અકસ્માત બાદ અધિકારી તાબડતોબ અન્ય વાહનમાં બેસીને સ્થળ પરથી રવાના થઈ ગયા હતા.મોરબી-રાજકોટ હાઈવેના રસ્તાઓની બદતર સ્થિતિ અંગે ધારાસભ્યો, સાંસદો, સરપંચો, સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો દ્વારા અસંખ્ય રજૂઆતો કરવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નહોતી. અંતે, જે હાઈવેની વાસ્તવિકતાથી તંત્ર અજાણ બનવાનો ડોળ કરતું હતું, તે જ હાઈવેએ ઈજનેરને પોતે જ પોતાની બિસ્માર હાલતનો ‘પરચો’ બતાવી દીધો છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં તંત્રની કામગીરી સામે ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે.


