જામનગરમાં ફૂડ વિભાગની તવાઇઃ ૧૫૨ હોટેલ-રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાન અને રેકડીઓની તપાસ
૩૫૩ કિલો વાસી ખોરાક નો સ્થળ પર નાશ કરાયો: ૧૪૭ કિલો પ્રિન્ટેડ પસ્તી નો પણ નાશ કરાયો

જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા ૨, જામનગર શહેરમાં હેલ્ધી અને હાઇજેનિક ફૂડ મળી રહે તેમજ ફાસ્ટ ફૂડ, રેકડીઓમાં વપરાતા ખાદ્ય તેલ, પ્રિન્ટેડ પસ્તી તથા હોટેલ-રેસ્ટોરન્ટમાં વાસી ખાદ્યપદાર્થોના ઉપયોગ અંગે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાયેલી તપાસ હાથ ધરાઈ હતી.
મનપાના કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન કુલ ૧૫૨ પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં અનહાઇજેનિક સ્થિતિમાં મળી આવેલ કુલ ૩૫૩ કિલો વાસી જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક્સપાયરી ડેટવાળા પાંચ પેકેટ તથા ૧૪૭ કિલો પ્રિન્ટેડ પસ્તીનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા ગોકુલનગર, જકાતનાકા, જનતા ફાટક, વિરલ બાગ, જોગર્સ પાર્ક, હોસ્પિટલ રોડ, જૂના રેલવે સ્ટેશન, ખંભાળિયા ગેઇટ, ખોડિયાર કોલોની, પટેલ કોલોની, વિકાસગૃહ રોડ, લીમડા લાઇન, શરુ સેક્શન રોડ, પી.એન. માર્ગ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક, બેડી-ઢીંચડા રોડ, દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ સુધીના વિસ્તાર ઉપરાંત ગુલાબનગર, રાજપાર્ક, લાલવાડી અને હાપા સહિતના વિસ્તારોમાં આવેલા ખાદ્ય ધંધાના એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન અનહાઇજેનિક પ્રેક્ટિસ તથા વાસી ફૂડ મળી આવતા કુલ ૧૪ પેઢીઓને રૂ.૨૨,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તપાસ દરમિયાન કુલ ૧૩૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે ઢીંચડા ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે વધુ સાત નમૂનાઓ વડોદરા ખાતે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ FSSAIના નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે.
આ ઉપરાંત એક ડેરીમાંથી લેવામાં આવેલ દહીંનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં એડજ્યુડિકેટિંગ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે એક પ્રીમાઇસીસમાં FSSAIના જરૂરી લાયસન્સ વિના ધંધો કરતા હોવાનું જણાતા નિયમ મુજબ ગુનો દાખલ કરી એડજ્યુડિકેટિંગ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે.
મનપા દ્વારા ખરાબ તેલની વાસ અંગેની ફરિયાદોના અનુસંધાને તેમજ ન્યુસન્સ ન થાય તે માટે યોગ્ય નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ખાદ્ય ધંધાર્થીઓને સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવવા, હાઇજેનિક કન્ડિશન મેઇન્ટેન રાખવા, ચીઝ, બટર અને પનીરના બિલ ફાઇલમાં રાખવા તેમજ FSSAIના ૧૨ નિયમોનું બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવી છે.
જામનગર શહેરની વિવિધ શાળાઓ તેમજ શાળાઓની આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરી પાણી તથા ખાદ્યપદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી, ઢીંચડા ખાતે મોકલવામાં આવ્યા છે.





