GUJARATPANCHMAHALSHEHERA

બે બાળકોની માતાને કુંવારા યુવક સાથે પ્રેમ થતાં સર્જાયો હાઈડ્રામા: ૧૮૧ અભયમની ટીમ દ્વારા સુખદ સમાધાન

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

બે બાળકોની માતા એવી એક પરિણિત મહિલાને એક કુંવારા યુવક સાથે પ્રણયસંબંધ બંધાયા બાદ યુવકે મોબાઈલ નંબર બ્લોક કરી સંપર્ક તોડી નાખતાં મોટો હાઈડ્રામા સર્જાયો હતો. યુવકે સંબંધ પૂરો કરવાનો પ્રયાસ કરતાં આવેશમાં આવેલી મહિલા સીધી યુવકના ઘરે પહોંચી ગઈ હતી અને હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ વણસતાં ગભરાઈ ગયેલી યુવકની માતાએ તાત્કાલિક ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની મદદ માંગતા કાઉન્સિલરની ટીમે સ્થળ પર પહોંચીને ગંભીરતાથી કાઉન્સેલિંગ કરી મામલો શાંત પાડ્યો હતો.

 

આ ઘટનાની વિગત મુજબ, પરિણિત મહિલા અને કુંવારા યુવક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. દરમિયાન યુવકને પોતાની ભૂલનો અહેસાસ થતાં તેણે મહિલા સાથેનો તમામ સંપર્ક કાપી નાખ્યો હતો અને તેનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો. પોતાના પ્રેમી દ્વારા અચાનક સંબંધ તોડી નાખવામાં આવતાં પ્રેમમાં ભાન ભૂલેલી મહિલા કોઈ પણ સામાજિક મર્યાદાનો વિચાર કર્યા વગર સીધી યુવકના નિવાસસ્થાને પહોંચી ગઈ હતી. યુવકના ઘરે પહોંચીને મહિલાએ ભારે હંગામો શરૂ કરતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

 

ઘર આંગણે અચાનક સર્જાયેલા આ નાટકથી ગભરાઈ ગયેલી યુવકની માતાએ સમજદારી વાપરીને તુરંત જ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર કૉલ કરીને મદદ ગુહારી હતી. કૉલ મળતાં જ અભયમની રેસ્ક્યુ ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કાઉન્સેલર ટીમે સ્થળ પર પહોંચીને સૌપ્રથમ તો આક્રોશમાં આવેલી મહિલા અને યુવકના પરિવારજનોને શાંત પાડ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

 

ત્યારબાદ ૧૮૧ ની ટીમે મહિલાને તેના પરિવાર, માસૂમ બાળકોના ભવિષ્ય તેમજ સામાજિક પ્રતિષ્ઠા અને મર્યાદાઓ અંગે ઊંડાણપૂર્વક સમજાવટ કરી હતી. સાથોસાથ સામે પક્ષે યુવક અને તેના પરિવાર સાથે પણ વિગતવાર વાતચીત કરવામાં આવી હતી. ૧૮૧ ની ટીમની સમયસૂચકતા, સચોટ અને શાંતિપૂર્ણ સમજાવટના પરિણામે મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. અંતે બંને પક્ષોએ ભવિષ્યમાં એકબીજાની જિંદગીમાં કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરવાની અને શાંતિ જાળવવાની બાંહેધરી આપતાં આ સામાજિક વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!