નવસારી જિલ્લામાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોનું વિતરણ કાર્યક્રમ યોજાશે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા વહીવટીતંત્ર તથા આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ALIMCO)ના સંયુક્ત ઉપક્રમે ADIP યોજના તથા વયોશ્રી યોજના અંતર્ગત દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણો ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ તાલુકાઓમાં સહાયક ઉપકરણ વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબના સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવશે. લાભાર્થીઓને સહાયક ઉપકરણો સરળતાથી મળી રહે અને તેમને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
તાલુકાવાર સહાયક ઉપકરણ વિતરણ કામગીરી હાથ ધરાશે.
જે અંતર્ગત ગણદેવી તાલુકામાં તા. ૦૭-૦૯-૨૦૨૬ તથા તા. ૦૮-૦૯-૨૦૨૬ના રોજ કોળી પટેલ સમાજની વાડી ખાતે, વાંસદા તાલુકામાં તા. ૧૬-૦૯-૨૦૨૬ તથા તા. ૧૭-૦૯-૨૦૨૬ના રોજ ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત શ્રી એમ.પી. કાપડીયા હાઈસ્કૂલ, ગંગપુર ખાતે, ખેરગામ તાલુકામાં તા. ૧૯-૦૯-૨૦૨૬ના રોજ મામલતદાર કચેરી, ખેરગામ ખાતે, ચીખલી તાલુકામાં તા. ૦૫-૧૦-૨૦૨૬ તથા તા. ૦૬-૧૦-૨૦૨૬ના રોજ દિનકર ભવન હોલ, મજીગામ ખાતે, જલાલપોર તાલુકામાં તા. ૦૮-૧૦-૨૦૨૬ના રોજ ગ્રામ પંચાયત હોલ, મંદિર ગામે અને તા. ૦૯-૧૦-૨૦૨૬ના રોજ કોળી સમાજની વાડી, મહુવર ખાતે, નવસારી (ગ્રામ્ય)માં તા. ૧૨-૧૦-૨૦૨૬ના રોજ દામોદેશ્વર કોમ્યુનિટી હોલ, પિનસાડ ખાતે અને તા. ૧૩-૧૦-૨૦૨૬ તથા તા. ૧૪-૧૦-૨૦૨૬ના રોજ કોળી પટેલ સમાજ હોલ, ખડસુપા ખાતે, નવસારી શહેરમાં તા. ૧૬-૧૦-૨૦૨૬ તથા તા. ૧૭-૧૦-૨૦૨૬ના રોજ નવસારી મહાનગરપાલિકા ટાઉનહોલ, દેવીના પાર્ક, નવસારી ખાતે યોજાશે.
ઉપરોક્ત તમામ કેમ્પનો સમય સવારે ૦૯:૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક સુધીનો રહેશે.
નવસારી જિલ્લામાં તા. ૧૩ ઓગસ્ટથી તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન યોજાયેલા એસેસમેન્ટ કેમ્પોમાં જે લાભાર્થીઓએ એસેસમેન્ટ કરાવ્યું છે, તેવા લાભાર્થીઓએ જ સહાયક ઉપકરણ મેળવવા માટે ઉપરોક્ત વિતરણ કાર્યક્રમમાં હાજર રહેવાનું રહેશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોનો લાભ સરળતાથી મળી રહે તે માટે સંબંધિત લાભાર્થીઓને નિયત તારીખે, નિયત સ્થળે જરૂરી દસ્તાવેજો સાથે સમયસર હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે.


