વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘કિસાન સન્માન સમારોહ કાર્યક્રમમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો ‘કિસાન સન્માન સમારોહ’ યોજાયો હતો. જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પી.એમ.કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના ૯.૭ કરોડ લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.૨૨,૦૦૦ કરોડની સહાય જમા કરી હતી. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના ૩૩,૩૦૩ ખેડૂતોના બેન્ક ખાતામાં આજે કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું, તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ, આત્મા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન સહ પ્રોત્સાહિત કર્યા હતા.
વડાપ્રધાનશ્રીના હસ્તે PM કિસાન સન્માન નિધિના ૧૯મા હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ.૨૨,૦૦૦ કરોડથી વધુની સહાય બેન્ક ખાતામાં જમા કરી હતી, જે પૈકી ગુજરાતના આશરે ૫૧.૪૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.૧,૧૪૮ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરાયા હતા.
આ પ્રસંગે વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવિતે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ ખેડૂતોને લઘુત્તમ આવકના આધાર તરીકે પ્રતિ વર્ષ ૬ હજાર રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવે છે. આ યોજના ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ છે, જે તેમના કૃષિ આનુષંગિક ખર્ચને પહોંચી વળવામાં અતિ ઉપયોગી બની રહી છે એમ જણાવી નાગરિકોને ઝેરમુક્ત અન્ન અને શાકભાજી પૂરા પાડવા તેમજ ગૌમાતા અને ધરતીમાતાને બચાવવા વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે જરૂરી હોવાનો મત વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય ભગરીયા, જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી બાલુભાઇ પટેલ, વઘઇ મામલતદાર એમ.આર.ચૌધરી સહિતના સંશોધન વૈજ્ઞાનિકો અને અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.