AMRELI CITY / TALUKORAJULA

રાજુલાની સંઘવી શાળા નં. 4 ખાતે ‘પ્રગતિનો પ્રવેશ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી, 100થી વધુ નવા વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ

અનેક મહાનુભાવો એ આપી હાજરી

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલાની સંઘવી શાળા નં. 4 ખાતે ‘પ્રગતિનો પ્રવેશ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી, 100થી વધુ નવા વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ

રાજુલા: ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવા પ્રવેશ મેળવનાર બાળકોના સ્વાગત માટે ‘પ્રગતિનો પ્રવેશ ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે રાજુલાની સંઘવી શાળા નં. 4 ખાતે ઉત્સાહભેર પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી ડૉ. કિશોર ધારૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં મોટી સંખ્યામાં વાલીઓની હાજરી જોવા મળી હતી. અતિથિ વિશેષ તરીકે પધારેલા ડોક્ટર કિશોર ધારૈયા સાહેબ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કુમાર તેમજ કન્યા દ્વારા થયેલ સંચાલનને પણ અધિકારીશ્રીએ ખૂબ જ વખાણેલ. કુમકુમ તિલક કરીને આંગણવાડીના બાળકો તેમજ બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સરકારશ્રીની ખાસ ઝુંબેશ રૂપે રોડ સેફ્ટી બાબતેની માહિતી તેમજ શપથ શાળાના બાળકો દ્વારા લેવડાવવામાં આવી હતી.
આ ઉપરાંત સામાજિક ઉત્થાન બાબતે બાળકોએ પોતાની ભાષામાં સુંદર સ્પીચ આપેલ હતી.

કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ શાળાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. જેમાં કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ અને બાલવાટિકા ખંડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત એસએમસી કમિટી સાથે બેઠક યોજી શાળાના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ સાથે અભ્યાસલક્ષી વાર્તાલાપ પણ કરવામાં આવેલ હતો.

ઉલ્લેખનીય છે કે સંઘવી શાળા નં. 4માં આ વર્ષે 100થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જે રાજુલા શહેરમાં સૌથી વધુ ગણાય છે. શાળાના સંચાલન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યે વાલીઓનો મજબૂત વિશ્વાસ જોવા મળ્યો હતો. વાલીઓ તથા એસએમસી કમિટીએ શાળાના સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી. શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષક શ્રી રવિન્દ્ર વસ્તાણીને એસએમસી કમીટી દ્વારા પ્રમાણપત્ર આપી બીરદાવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં શિસ્ત અને શૈક્ષણિક વાતાવરણ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ વર્ષે શાળામાં પ્રથમ વખત ધોરણ-9ની શરૂઆત થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સોયબભાઈ સુમરા, સમાજ કલ્યાણ વિભાગ અમરેલીના પ્રતિનિધિ શ્રી વિરાટભાઈ, એસએમસી અધ્યક્ષ શ્રી કનુભાઈ ગોહિલ, પાલિકા સભ્ય શ્રી અતુલભાઈ વાઘેલા, અજયભાઈ ગોહિલ, મહેશભાઈ ટાંક તથા લાયઝન શ્રી જીગ્નેશભાઈ ઉપાધ્યાય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષિકા બેન શ્રી ભાવનાબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે પ્રવેશોત્સવ યાદગાર અને પ્રેરણાદાયી બન્યો હતો.

Back to top button
error: Content is protected !!