આણંદ કલાકારો, કલાપારખુંઓ અને મનિષીઓની ભૂમિ છે : કૈલાસ ખેર
આણંદ કલાકારો, કલાપારખુંઓ અને મનિષીઓની ભૂમિ છે : કૈલાસ ખેર
તાહિર મેમણ – આણંદ – 08/03/2025 – આણંદ – વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે ગુજરાત પ્રવાસન નિગમ,ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને આણંદ જિલ્લા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ બે દિવસીય આણંદ ઉત્સવનો પ્રવાસન મંત્રી એ પ્રારંભ કરાવ્યો હતો.
આણંદ ઉત્સવના પ્રથમ દિવસે સંગીતકાર અને ગાયક કૈલાશ ખેરે કૈલાસા લાઈવ કાર્યક્રમમાં લોક સંગીત અને સૂફી સંગીતથી પ્રભાવિત સંગીત શૈલીમાં ગીતો ગાઈ પ્રેક્ષકોને ડોલાવ્યા હતા.પોતાના શક્તિશાળી અવાજ અને સંગીતની અનોખી શૈલીથી કૈલાશ ખેરે સમગ્ર દેશમાં લોકપ્રિય પ્લેબેક ગાયકોમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે.
રાજ્ય સરકારે વર્ષ – ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે તેનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,શહેરોના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે આ વર્ષના બજેટમાં પણ રાજ્ય સરકાર દ્વારા માતબર રકમ ફાળવવામાં આવી છે.આણંદ મહાનગર પાલિકા દ્વારા તેના પ્રથમ બજેટમાં જ રૂ. ૧,૦૫૫ કરોડની જોગવાઈ કરી છે.જે આણંદના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.
આણંદ મનપા બન્યા બાદ સૌ પ્રથમવાર આણંદ ઉત્સવનું આયોજન રાજ્ય સરકારના સહયોગથી કરવામાં આવ્યું છે જે આનંદની વાત છે.
કૈલાસ ખેરે કેમ છો આણંદ…કહી દિવ્ય વિભૂતિઓ અને મહાદેવની કૃપાથી આ સ્વર્ણિમ પળ આણંદમાં આવી છે. તેમ કહી ઉમેર્યું હતું કે, વિદ્યાનગર એ શિક્ષાની નગરી છે.આણંદ કલાકારો, કલાપારખુંઓ અને મનિષીઓની ભૂમિ છે.
આ કાર્યક્રમ પૂર્વે કૈલાસ ખેરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે,આણંદમાં આજે આણંદ ઉત્સવનો અનહદ નાદ ગુંજશે..
મારી સંગીત યાત્રાના પ્રારંભમાં ગુજરાતી ગરબાના આલ્બમનું રેકોર્ડિંગ આણંદમાં કર્યું હતું.
મારા માટે આ ભાવનાત્મક પળ મારા મહાદેવે દેવતુલ્ય આણંદવાસીઓને મળવા માટે આપી છે.