
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વિકાસમાં અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં જોડવાનું તેમનુ મહત્વનું યોગદાન..
ડાંગ જિલ્લાનાં વિકાસમાં અમૂલ્ય યોગદાન આપનાર અને ડાંગને ગુજરાત રાજ્યમાં ભેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સ્વર્ગસ્થ સ્વાતંત્ર્ય સેનાની છોટુભાઈ નાયકની પ્રતિમા ગિરિમથક સાપુતારા ખાતે મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે ગિરિમથક સાપુતારા ખાતે છોટુભાઈ નાયકની પ્રતિમા સ્થાપવા માટે ભલામણ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને કરી હતી. આ ભલામણને ગુજરાત સરકાર દ્વારા ધ્યાને લેવામાં આવી છે અને તેના પર યોગ્ય કાર્યવાહી કરવા માટે પત્ર પણ મોકલવામાં આવ્યો છે.સ્વાતંત્ર્ય સેનાની સ્વ છોટુભાઈ નાયક વર્ષ ૧૯૬૦માં ડાંગ જિલ્લાને ગુજરાત રાજ્યમાં સમાવેશ કરાવવા માટે અગ્રણી રહ્યા હતા.આ ઉપરાંત તેમણે ડાંગ સ્વરાજ્ય આશ્રમની સ્થાપના કરીને આ વિસ્તારના સામાજિક અને શૈક્ષણિક વિકાસમાં સૌથી મોટો ફાળો આપ્યો હતો.તેમના આ યોગદાનને બિરદાવવા અને ભાવિ પેઢીને તેમના કાર્યોથી પરિચિત કરાવવા માટે તેમની પ્રતિમા સ્થાપવાનું સૂચન કરવામાં આવ્યુ છે.ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલે ૨૨ જુલાઈ, ૨૦૨૫ના રોજ ગુજરાત સરકારને એક પત્ર લખીને છોટુભાઈ નાયકની પ્રતિમા ગિરિમથક સાપુતારા ખાતે સ્થાપવાની રજૂઆત કરી હતી.આ ભલામણ બાદ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાએ મુખ્યમંત્રી અને ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવને આ પત્ર મોકલીને નિયમાનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું છે.આ પત્રમાં સ્વ છોટુભાઈ નાયકનાં ડાંગ જિલ્લાના વિકાસમાં યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ પહેલથી ડાંગના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પ્રખર સ્વાતંત્ર્ય સેનાની છોટુભાઈ નાયકની પ્રતિમા સાપુતારા જેવા પ્રવાસન સ્થળે સ્થાપિત થવાથી પ્રવાસીઓ પણ ડાંગના ઇતિહાસ અને તેના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાન વ્યક્તિઓ વિશે જાણકારી મેળવી શકશે..



