RAMESH SAVANI
પ્રગટ બ્રહ્મસ્વરુપને ‘ગેમ ઝોન’માં કેટલાંના જીવ ગયા તેની ખબર નહીં હોય?
કોઈપણ દુર્ઘટનામાં માણસોનો ભોગ લેવાય ત્યારે એક શિષ્ટાચારના ભાગ રુપે આપણે મૃતકોને આદરાંજલિ/ શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે/ મૃતકના આત્માને શાંતિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. પરંતુ આપણે જાણીએ છીએ કે ઈશ્વર નથી શક્તિ આપી શકતો કે નથી શાંતિ આપી શકતો ! પરંતુ આવી કરુણ/ દુ:ખદ/ અસહાય સ્થિતિમાં સધિયારો બીજી કોઈ રીતે આપી શકાતો નથી, એટલે આપણે ઈશ્વરને પ્રાર્થના કર્યા સિવાય છૂટકો નથી !
26 મે 2024ના રોજ પ્રગટ બ્રહ્મસ્વરુપ મહંત સ્વામી એટલે કે કેશવજીવનદાસજીએ રાજકોટના ‘ગેમ ઝોન’માં ભોગ બનેલ પરિવારને સારંગપુર ખાતેથી શોકસંદેશો પાઠવ્યો છે કે “ગેમ ઝોનમાં આગ લાગવાથી 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલ દિવ્ય આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને તેમના પરિવારજનોને અસહ્ય આઘાતને સહન કરવાનું બળ/ હિંમત પ્રાપ્ત થાય તે માટે ભગવાન સ્વામિનારાયણ/ સર્વ અવતારો/ સર્વે સંતો/ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર BAPS સંસ્થાના તમામ મંદિરોમાં સંતો અને હરિભક્તો પણ ધૂન-પ્રાર્થના કરશે. સાથે સાથે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે સૌ સાવધ અને જાગૃત રહે તેવી હ્રદયપૂર્વક વિનંતિ. બધાંને ઘીરજ રહે અને હિંમત રહે તે પ્રભુ પ્રાર્થના.”
થોડાં મુદ્દાઓ : [1] મહંતસ્વામીજી ! રાજકોટ ‘ગેમ ઝોન’ દુર્ઘટના 25 મે 2024ના રોજ બની. તેમાં કેટલાં લોકો સળગીને કોલસો બની ગયા, તેની ચોક્કસ સંખ્યા 29 મે 2024 સુધી નક્કી થઈ શકી નથી. મીડિયા 33 કહે છે. સત્તાપક્ષે રાજકોટ ખાતે 29 મે 2024ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં 27 લોકો ભોગ બન્યા તેમ કહ્યું. આપ લખો છો કે ‘30થી વધુ’ લોકો ભોગ બન્યા ! આપ તો પત્રમાં જ પ્રગટ બ્રહ્મ સ્વરુપ લખો છો ! છતાં વાસ્તવમાં કેટલાં લોકો સળગીને કોલસો બની ગયા તે આપ જાણી શક્યા નથી ! [2] મહંતસ્વામીજી ! આપે લખ્યું છે કે “ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે સૌ સાવધ અને જાગૃત રહે તેવી હ્રદયપૂર્વક વિનંતિ.” સવાલ એ છે કે લોકો સાવધ થાય/લોકો જાગૃત થાય તેમ સ્વામિનારાયણ સંપ્રદાય ખરેખર ઈચ્છે છે? આપ તો પ્રગટ બ્રહ્મસ્વરુપ છો એટલે જાણતા જ હશો ! છતાં યાદ કરાવું કે ચૂંટણી પહેલાં અને ચૂંટણી ટાણે સ્વામિનારાયણના જુદા જુદા ફાંટાઓના બાવાઓ એક અવાજે ગોડસેવાદી પક્ષને જ મત આપવા આદેશો/અપીલો/વિનંતિઓ શા માટે કરે છો? સમાજમાં વ્યાપેલ ભ્રષ્ટાચાર/ મોંઘવારી/બેરોજગારી/ અતિ મોંઘું ખાનગી શિક્ષણ/ મહિલાઓની અસુરક્ષા/ બળાત્કારીઓ-હત્યારાઓની જેલમુક્તિ/ ચૂંટણીમાં ટોચના ગુંડાનો ઉપયોગ/ વડાપ્રધાનના નફરતી ભાષણો/ વિપક્ષના MLA/MPને કાળા નાણાથી ખરીદી વિપક્ષની રાજ્ય સરકારોને ઉથલાવી દેવાની મનોવૃતિ વગેરે બાબતે આપના સંતોએ ક્યારેય મોં ખોલ્યું છે ખરું? ગોડસેવાદીઓએ ગાંધીજીને મુસ્લિમ ઠરાવી દીધાં; છતાં આપના સંતો ચૂપ કેમ છે? સ્ટેડિયમ પરથી સરદારનું નામ હટાવી દીધું છતાં આપના સંતો મૂંગા કેમ છે? જ્યારે બોલવાનું હોય ત્યારે ચૂપ કેમ રહો છો? અમિત શાહને સુપ્રિમકોર્ટે તડિપાર કરેલ તેને કોર્ટે કઈ રીતે ક્લીન ચિટ આપી, તેની જાણ તો આપને હશે ને? જસ્ટિસ પી. સદાશિવમે અમિત શાહને દેવદૂત જાહેર કર્યા તેથી મોદીજીએ તેમને કેરળના ગવર્નર બનાવ્યા ! આર. કે. રાઘવને મોદીજીને કઈ રીતે ક્લીન ચિટ આપી તે પણ આપ સારી રીતે જાણતા જ હશો ! મોદીજીએ રાઘવનને સાઈપ્રસના હાઈ કમિશનર બનાવી દીધા ! શું પ્રગટ બહ્મસ્વરુપોને દેશની દુર્દશા દેખાતી નહીં હોય? ચૂંટણી આવે એટલે ગોડસેવાદી નેતા જ હિન્દુઓને બચાવશે એવી દલીલો કરીને લોકોને/ ભક્તોને આપના બાવાઓ છેતરતા નથી? લોકો સહેજ સાવધ/ જાગૃત થવા જાય ત્યાં ગોડસેવાદી પક્ષને જ મત આપવા તમારા બાવાઓ ઘાટા પાડી પાડીને ધૂણવા લાગે છે અને લોકોને અસાવધ/ અજાગૃત બની રહે તે માટે આકાશપાતાળ એક કરે છે ! આ બાબતે વિચાર કરશો તો સાંત્વના આપવાના પ્રસંગો જરુર ઘટશે !rs