RAMESH SAVANI

સાચી લોકશાહીમાં જ રામરાજ્ય છે !

[પાર્ટ-4]
રામને આદર્શ મનુષ્ય અને રામરાજ્યને એક આદર્શ રાજ્ય વ્યવસ્થા તરીકે જોવામાં આવે છે ત્યારે સવાલ એ થાય કે તેમાં ગર્ભિત રીતે આપણે શું રાજાશાહીની તરફેણ તો નથી કરી રહ્યા ને? રાજાશાહી શું હતી? રાજાશાહી ક્યા સિદ્ધાંત તરીકે સ્થાપિત થઈ હતી તે સમજવું પડે. રાજાશાહી એ રામરાજ્ય નથી એટલે તો બંધારણના આમુખમાં જ લખ્યું છે કે ભારત લોકશાહી દેશ છે !
મહાભારતમાં ‘શાંતિપર્વ’માં વાર્તા છે કે પૃથ્વી પર ભારે અરાજકતા પ્રવર્તતી હતી એટલે લોકોએ ઈશ્વરને વિનંતિ કરી કે પૃથ્વી પર વ્યવસ્થા સ્થાપવા કોઈ રાજાને મોકલો ! એટલે ઈશ્વરે, મનુ નામના રાજાની નિમણૂક કરી. અને મનુએ રાજ્ય વ્યવસ્થા ઊભી કરવા ‘મનુસ્મૃતિ’ નામનો કાયદો બનાવ્યો. આમ રાજા ઈશ્વરનો પ્રતિનિધિ છે એટલે તેમની આજ્ઞાઓની અવગણના એટલે ઈશ્વરની અવગણના ! રાજાની આલોચના એટલે ઈશનિંદા; ઈશ્વરનો તિરસ્કાર ! આને Divine Theory of State-રાજ્યની દૈવી ઉત્પત્તિનો સિદ્ધાંત કહેવાય છે. લોકોએ રાજ્ય બનાવ્યું નથી, ઈશ્વરે રાજ્યનું સર્જન કર્યુ છે. રાજ્ય અને રાજા બન્ને ઈશ્વરદત્ત છે. રાજાની નિમણૂક ઈશ્વરે કરી છે. રાજા પોતે ઈશ્વરી અવતાર છે. ધાર્મિક અને રાજકીય સત્તાધિકાર રાજામાં કેન્દ્રિત હોય છે. રાજા લોકોને જવાબદાર નહીં, તે માત્ર અદ્રશ્ય ઈશ્વરને જ જવાબદાર ! ઈશ્વરે જ રાજાને લોકો પર શાસન કરવા માટે સર્વોચ્ચ સત્તા આપી છે. રાજા સિવાય બીજા કોઈને સત્તા નથી. રાજાશાહીમાં રાજા સાર્વભૌમ છે, લોકો નહીં. રાજાએ ઘડેલા કાયદા ઈશ્વરે ઘડેલા છે તેમ સમજવાનું ! રાજા કાયદાથી પર છે. રાજાની સત્તા નિરંકુશ છે. રાજાને પડકાર ફેંકવો એટલે ઈશ્વરનો જ ઈન્કાર કરવો ! ઈશ્વરનો ઈનકાર એટલે પાપ, એવું લોકોએ સમજવાનું ! બે જ વિકલ્પ છે, રાજાની નિરંકુશ સત્તાનો સ્વીકાર કરો અથવા અંધાધૂંધી-અરાજકતા વેઠો ! શાંતિથી જીવવા માટે રાજાની નિરંકુશ સત્તાનો સ્વીકાર કરવો જ પડે ! રાજાશાહી વારસાગત છે. રાજાશાહી એક પવિત્ર સંસ્થા છે, કારણ કે ઈશ્વર પવિત્ર છે. તેની સામે વાંધો ઊઠાવી શકાય નહીં. રાજા કહે તે કાયદો, રાજા ઈચ્છે તે કાયદો ! તે લોકોના ભલા માટે જ હોય તેવું લોકોએ સ્વીકારવાનું છે ! રાજા કહે તે સત્ય ! રાજાની આજ્ઞાનું પાલન કરવું તે પ્રજા માટે ધાર્મિક ફરજ હતી ! પ્રજાએ રાજાના અંધભક્ત બનીને જ રહેવાનું ! રાજા ન્યાયી છે/ ઉદાર છે/ પ્રજાવત્સલ્ય છે, એવું પ્રજાએ સ્વીકારી લેવાનું ! રાજાઓ મોટે ભાગે સરમુખત્યાર/ તાનાશાહ હતા તેનું કારણ એ હતું કે તેમની સત્તા પર માત્ર અદ્રશ્ય ઈશ્વર સિવાય કોઈનો અંકુશ ન હતો !લોકકલ્યાણનું તેઓ ધ્યાન રાખે પણ ખરા અને ન પણ રાખે ! તે તેમની મુનસફી પર આધાર રાખે, કેમકે તેમને કહેનાર કે ટકોર કરનાર કોઈ ન હતું. લોકકલ્યાણ એ તેમની મરજી પર છોડી દેવાયેલ બાબત હતી, તે તેમની ફરજ ન હતી.
સવાલ એ છે કે રાજા જો ઈશ્વરનો પ્રતિનિધિ હતો તો રાજ્યની દૈવી ઉત્પત્તિના ઈશ્વરીય સિદ્ધાંતનું/ રાજશાહીનું પતન કેમ થયું? ‘સામાજિક કરાર’ના સિદ્ધાંતના કારણે રાજાશાહીનો અંત આવ્યો ! 17મી અને 18મી સદીમાં, Thomas Hobbes-થોમસ હોબ્સ/ Jean Jacques Rousseau-જ્યાં જેક રુસો/ John Locke-જ્હોન લોકે કહ્યું કે રાજ્ય કે રાજા બેમાંથી એકેય ઈશ્વરદત્ત નથી, રાજ્ય એ ઈશ્વરની કૃપા નથી, રાજ્ય તો મનુષ્યો દ્વારા કરવામાં આવેલા ‘Social Contract-સામાજિક કરાર’નું સર્જન છે. સેક્યુલર/ બિન-સાંપ્રદાયિકતાનો ખ્યાલ પ્રચલિત બન્યો. યુરોપમાં ચર્ચ અને રાજ્યને/ ધર્મ અને રાજકારણને અલગ કરવાની ઝૂંબેશ શરુ થઈ. એવું સ્વીકારવામાં આવ્યું કે રાજ્ય મનુષ્યના ભૌતિક સુખ માટે રચાયેલી સંસ્થા છે. રાજ્યને માણસના પૂર્વજનમ કે પછીના જનમ સાથે કશી લેવાદેવા નથી. રાજ્યને ઈશ્વર સાથે પણ કશોય સંબંધ નથી. સામાજિક કરારના સિદ્ધાંતના કારણે આધુનિક લોકશાહીનો ઉદ્દભવ થયો અને રાજ્યની દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતનું પતન થયું. રાજા અને ઈશ્વર બંનેને એક જ ગણવાના ખ્યાલનો છેદ ઊડી ગયો. પોતાના શાસકને ચૂંટી શકાય/ બદલી શકાય એ ખ્યાલ લોકો માટે મહત્વનો બની ગયો. લોકશાહીએ વ્યક્તિને મહત્વ આપ્યું, વ્યક્તિના જન્મસિદ્ધ માનવ અધિકારોને માન્ય રાખ્યાં અને કોઈપણ સત્તા ઈશ્વરદત્ત ન હોઈ શકે તેનો સ્વીકાર કરવામાં આવ્યો. ઈશ્વર નજરે પડતો ન હોય તો તે રાજાને આદેશ કઈ રીતે આપે? ઈશ્વર એ શ્રદ્ધાનો વિષય હોઈ શકે, પણ તે શાસનનો વિષય બની શકે નહીં. જ્યારે ઈશ્વરના અસ્તિત્વ વિશે જ શંકા હોય ત્યારે રાજાને ઈશ્વર કે તેના એજન્ટ/ પ્રતિનિધિ તરીકે કેવી રીતે માની શકાય? આવા સવાલો ઊભા થયા. જેની વૈજ્ઞાનિક રીતે ચકાસણી થઈ શકે તેવી બાબતોમાં લોકો માનતા થયા અને વધુ તર્કબદ્ધ વર્તન કરવા માટે પ્રેરાયા. એટલે રાજ્યની દૈવી ઉત્પત્તિનો સિદ્ધાંત અપ્રસ્તુત થતો ગયો. હકિકતમાં અનેક રાજાઓ બેફામ વર્ત્યા તેના કારણે રાજાશાહીનો અંત આવ્યો. રાજાઓના વર્તનના કારણે સવાલો થયાં કે જો રાજાની નિમણૂક ઈશ્વર કરતો હોય તો રાજા દુષ્ટ અને અત્યાચારી કેવી રીતે હોઈ શકે? જો રાજા પોતે જ ઈશ્વર હોય તો ઈશ્વર દુષ્ટ/ભોગવિલાસી/ અત્યાચારી કેવી રીતે હોઈ શકે?
રાજાશાહીનો પ્રભાવ દુનિયામાં સદીઓ સુધી રહ્યો એટલે લોકોના મનમાંથી પણ રાજાશાહી જતી નથી ! ચૂંટાયેલા શાસકો રાજાની જેમ વર્તે છે. લોકોને તેમની પ્રત્યે અહોભાવ હોય છે. 1970માં કોગ્રેસ પ્રમુખ દેવકાંત બરુઆએ કહેલ કે ‘ઈન્દિરા ઈસ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈસ ઈન્દિરા !’ આ સૂત્રમાં રાજાશાહીની ગંધ હતી. ‘હર હર મોદી, ઘર ઘર મોદી !’ સૂત્ર તો મોદીને ભગવાન તરીકે ચીતરે છે. આ સૂત્ર તેમના તમામ કૃત્યોને વ્યાજબી ઠરાવે છે અને તેમની ટીકા થઈ શકે જ નહીં ! જે લોકો તેમની ટીકા કરે તે દેશદ્રોહી/ રાજદ્રોહી/ ધર્મદ્રોહી/ અર્બન નક્સલ છે તેમ માનનારો એક વર્ગ ભારતમાં અને વિદેશમાં પણ છે જ ! રામરાજ્ય એ રાજાશાહી હોય તો તે આજના યુગમાં સ્વીકાર્ય રાજ્યવ્યવસ્થા બની શકે નહી કારણ કે રાજા નહીં પણ દરેક મનુષ્યના અધિકારો મહત્વના છે. અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને 19 નવેમ્બર 1863ના રોજ કહ્યું હતું કે ‘લોકશાહી એટલે લોકોની, લોકો દ્વારા અને લોકો માટેની સરકાર !’ સરકાર લોકોની જ હોય એટલે તેમાં લોકો જ હોય, લોકોના પ્રતિનિધિઓ સરકાર ચલાવતા હોય, સરકારે લોકાના કલ્યાણ માટે કામ કરવાનું છે. સરકારનો હેતુ જ લોકોનું ભૌતિક કલ્યાણ કરવાનો છે. લોકોને સલામત રીતે, શાંતિથી અને પાયાની તમામ સુવિધાઓ સાથે જીવવા મળે તે જોવાની જવાબદારી સરકારની છે. સાચી લોકશાહીમાં જ રામરાજ્ય છે ! લોકશાહી વ્યવસ્થામાં જે કંઈ ખરાબી હોય તે સુધારતા જવું એ જ તેનો શ્રેષ્ઠ ઉપાય છે. લોકશાહીનો અર્થ છે પારદર્શિતા/ ઉત્તદાયિત્વ/ વિકેન્દ્રીકરણ/ સહભાગિતા/ કાયદાનું શાસન-સ્વતંત્રત ન્યાયતંત્ર અને માનવ અધિકારોની જાળવણી. આ 6 સિદ્ધાંતોના અમલની બાબતમાં જેટલી ખામી તેટલી લોકશાહી અધૂરી ! ટૂંકમાં લોકશાહી વ્યવસ્થા ગમે તેટલી ખરાબ હોય તોપણ તેનો ઉપાય સારી લોકશાહી જ છે, સરમુખત્યારશાહી નહીં, લશ્કરી શાસન નહીં, રાજાશાહી નહીં, ધર્મશાહી નહીં ! માત્ર સુશાસનને લોકશાહી સમજી લેવામાં આવે છે, તે બરાબર નથી. સુશાસન જેટલું મહત્વનું છે તેટલું મહત્વવું સ્વશાસન છે, સ્વરાજ છે !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!