GUJARATKUTCHMUNDRA

તાત્કાલિક ટેટ-ટાટ પરીક્ષાની જાહેરાત કરો: કચ્છ સહિત રાજ્યભરના યુવાનોની વડાપ્રધાન સમક્ષ ઉગ્ર માંગ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોટૅર :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા.27 જુલાઈ : ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો, ખાસ કરીને શિક્ષક બનવાની મહેચ્છા રાખતા ઉમેદવારો, રાજ્ય સરકાર દ્વારા ટેટ અને ટાટ પરીક્ષાઓની તાત્કાલિક જાહેરાત કરવાની માગ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ ભાવુક અપીલ કરવામાં આવી છે. કચ્છના મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામના પી.એચ.ડી. અભ્યાસી અને જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષાબેન પ્રકાશચંદ્ર ઠક્કરે આ સંદર્ભે વડાપ્રધાનને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં રાજ્યભરના ઉમેદવારોની વેદના અને અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે, શિક્ષક ભરતી માટેની ટેટ અને ટાટ પરીક્ષાઓ છેલ્લે ૨૦૨૩માં યોજાઈ હતી, અને તે પણ પાંચ વર્ષના લાંબા વિરામ બાદ. આ વિલંબને કારણે હજારો યુવાનો હવે નિરાશ અને હતાશ થઈ ચૂક્યા છે. એક તરફ, ધોરણ ૧૦ અને ૧૨ જેવી બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવાય છે, ત્યારે શિક્ષક પદના ઉમેદવારો માટે રાજ્ય સરકારે નવી પરીક્ષાની જાહેરાત પણ કરી નથી. આ સ્થિતિ લાખો યુવાનોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે.

જેમાં કચ્છના ઉમેદવારો માટે સમસ્યા વધુ ગંભીર બની જાય છે. ટેટ-ટાટ જેવી રાજ્ય કક્ષાની મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓ માટે કચ્છ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવતા નથી. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે અમદાવાદ જેવા દૂરના શહેરોમાં આખી રાત મુસાફરી કરીને જવું પડે છે, જેના કારણે તેમને શારીરિક, માનસિક અને આર્થિક ત્રાસ ભોગવવો પડે છે. આ તણાવના કારણે ઘણા ઉમેદવારો તેમની ક્ષમતા મુજબ પ્રદર્શન કરી શકતા નથી. તિતિક્ષાબેને આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે, પ્રોફેસર લેવલની જીસેટ અને રાષ્ટ્રીય કક્ષાની યુજીસી નેટ જેવી પરીક્ષાઓ માટે કચ્છમાં કેન્દ્રો અપાય છે, ત્યારે ટેટ-ટાટ જેવી રાજ્ય સ્તરની પરીક્ષા માટે કચ્છને કેમ અવગણવામાં આવે છે?

આવેદનપત્રમાં કચ્છ માટે મંજૂર થયેલી ૪૧૦૦ શિક્ષકોની “વિશેષ ભરતી” પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જગ્યાઓ જે કચ્છના સ્થાનિક ઉમેદવારો માટે નિર્ધારિત હતી, તે હવે સમગ્ર ગુજરાત માટે ખુલ્લી મૂકી દેવાઈ છે. એટલું જ નહીં, શિક્ષકોના બદલીના નિયમોમાં પણ એવી છટકબારી રાખી દેવાઈ છે કે તેઓ પોતાના જિલ્લામાં ભવિષ્યમાં બદલી કરાવી શકે અને આના કારણે કચ્છના લાયક ઉમેદવારોને પોતાના જ જિલ્લામાં નોકરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, જે સ્પષ્ટ અન્યાય છે.

વડાપ્રધાન સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ:તિતિક્ષાબેન ઠક્કરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ નીચે મુજબની ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે.

૧. ટેટ અને ટાટ પરીક્ષાઓની તાત્કાલિક જાહેરાત કરવા રાજ્ય સરકારને સૂચના આપવામાં આવે.

૨. કચ્છ સહિત રાજ્યના દરેક જિલ્લામાં, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં, પૂરતા પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.

૩. શિક્ષક ભરતી પ્રક્રિયામાં કચ્છના હિતોનું રક્ષણ થાય અને સ્થાનિક ઉમેદવારોને યોગ્ય પ્રાધાન્ય મળે તે માટે દિશાનિર્દેશ આપવામાં આવે.

વડાપ્રધાન ગુજરાતના પનોતા પુત્ર હોઈ, તેઓ રાજ્યની શિક્ષણ સમસ્યાઓથી સુપેરે વાકેફ છે અને કચ્છ પ્રત્યે તેમની દ્રષ્ટિ હંમેશા સંવેદનશીલ રહી છે, ત્યારે અમીભરી આશા સાથે આ રજૂઆત કરવામાં આવી છે. લાખો યુવાનોને આશા છે કે વડાપ્રધાનના હકારાત્મક પગલાથી તેમના ભવિષ્યને નવી દિશા મળશે.

Back to top button
error: Content is protected !!