પેટ્રોલ ડીઝલની અછતની અફવા વચ્ચે કાલોલના મુખ્ય માર્ગોના પેટ્રોલ પંપો ઉપર વાહનચાલકોની લાંબી-લાંબી કતારો લાગી.

તારીખ ૨૪/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલની તંગી સર્જાવાની આશંકા અને સોશિયલ મીડિયા પર વહેતી થયેલી વિવિધ અફવાઓને પગલે ભારે નાસભાગ જેવો માહોલ જોવા મળ્યો હતો. સાંજ પડતા જ કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકા ના મુખ્ય માર્ગો પર આવેલા તમામ પેટ્રોલ પંપો પર વાહનચાલકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા કે આગામી દિવસોમાં હડતાલ અથવા સપ્લાયમાં વિક્ષેપને કારણે પેટ્રોલ-ડીઝલ મળવું મુશ્કેલ બનશે. આ વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તકેદારીના ભાગરૂપે લોકો પોતપોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે ઉતાવળા બન્યા હતા. જેમાં કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના મુખ્ય માર્ગોઉપર ના પંપો પર ભારે ભીડ અને રોડપર લાંબી કતારો લાગી હતી જ્યાં કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ભરવાડ નગર તેમજ તાલુકાના પેટ્રોલ પંપ ઉપર પોહચી નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં. તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે, આપણા ગામના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, માટે જનતાએ સંગ્રહખોરી કે પૈનિક કરવાની કોઈ જરૂર નથી તેવું તેમના પોલીસ વાનમાં ફીટ કરવામાં આવેલા લાઉડસ્પીકર પરથી વારંવાર ભાવપૂર્વક આહવાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છેકે ગતરોજ બપોરે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં ઇંધણ જથ્થાના મુદ્દે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રીવ્યુ લેવામાં આવી રહ્યા છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઈસ્યુ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.









