
વાત્સલ્યમ્ સમાચાર
પૂજા ઠક્કર મુંદરા કચ્છ
લુપ્ત થઈ ગયેલ ” ઢીંચણિયું ” વડીલો ભોજન સમયે ઉપયોગમાં લેતા
મુંદરા, તા. 1 માર્ચ 2026:
ઢીંચણિયું વાપરવા પાછળ આયુર્વેદિક સમજ પણ છે. એ અનુસાર જો જમતી વખતે ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવામાં આવે, તો જમણી સૂર્યનાડી શરૂ થાય છે, અને જમણી બાજુ મૂકો તો ડાબી ચંદ્રનાડી શરૂ થાય છે.
ઘન પદાર્થ જેવા કે દૂધપાક, બાસુંદી, લાડુ, અરીહો વગેરે મિસ્ટાન જમવામાં સૂર્યનાડીનો ઉપયોગ થાય છે. આથી ઢીંચણિયું ડાબા પગના ઢીંચણ નીચે રાખવાથી એ બધું પચી જાય છે. અને જો ખાલી દૂધ, દહીં કે પ્રવાહી પીવામાં આવે તો જમણી બાજુ ઢીંચણિયું મૂકી ચંદ્રનાડી શરૂ કરાય છે, જેથી પ્રવાહી હજમ થઈ જાય.
ઢીંચણિયું જ્યારે જમવા બેસીએ ત્યારે ગોઠણ નીચે રાખવામાં આવે છે. વધારે કહુ તો કાંસાની થાળી, બાજોઠ, જમ્યા પહેલા પિત્તળનો પાણી ભરેલા લોટો સાથે ભોજનની થાળીમાં અગ્નિ દેવતા વૈશ્વાનરની જઠરાગ્નિ ઠારવા આહવાન, શ્લોક બોલીને પ્રાર્થના કરીને થાળી ને પગે લાગવાની પરંપરા, અને આ બધાને સાથ આપનાર ગોઠણ નીચે રાખેલું ઢીચણીયુ.
બધુ જ કામ ઝડપી પૂર્ણ કરી લેવાની ફિરાકમાં આજે આપણી પાસે નીચે બેસીને જમવાનો પણ સમય નથી. છાશવારે યોજાતા પ્રસંગોમાં પણ જમીન પર પંગત પાથરીને જમવા બેસાવાને બદલે બૂફે પ્રથા અમલી બની છે, ત્યારે આ ઢીંચણિયા વિશે આજની પેઢીને તો ખબર જ શેની હોય? આજે ઢીંચણિયા ગામડાના ઘરના માળિયે પડ્યા છે તો ક્યાંક ભાતીગળ સંસ્કૃતિનો શોખ ધરાવતા લોકોના ઘરે ‘એન્ટીક આઇટમ’ બની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે તે ખરેખર દુ:ખની વાત છે.
✍️જગદીશ દવે દેશલપર (ગુંતલી)
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



