
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી – કચ્છ, તા-૨૩ ફેબ્રુઆરી : મહિલાઓ આત્મનિર્ભર બને અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને યોગ્ય મંચ મળે તેવા ઉમદા આશય સાથે શ્રી કચ્છ માંડવી ભગિની મંડળ અને ભારત વિકાસ પરિષદ-માંડવી દ્વારા સંયુક્તપણે ‘આનંદ વ્યાપાર મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં માંડવી તાલુકા ઉપરાંત અંજાર અને ગાંધીધામની મહિલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મેળામાં કુલ ૨૮ જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. જેમાં બહેનો દ્વારા સ્વનિર્મિત સ્વાદિષ્ટ વાનગીઓ, આર્ટ-ક્રાફ્ટ, ઇમિટેશન જ્વેલરી, કચ્છનું પ્રખ્યાત મડવર્ક, નેચરલ ઓઈલ, શેમ્પૂ-સાબુ, મીણબત્તી, મુખવાસ, હોમમેઇડ ચોકલેટ અને કેકનું આકર્ષણ જમ્યું હતું. આ ઉપરાંત બાળકોના કપડાં, હોમમેઇડ નમકીન, લાલાના વાઘા અને મનોરંજન માટે બાળ રમતોના સ્ટોલ્સે મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું.
કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ભગિની મંડળના પ્રમુખ સુજાતાબેન ભાયાણીએ સંભાળ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સુજાતાબેન અને ઉદઘાટક મીરાબેન ઠક્કર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે નેહાબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, ડો. પારૂલબેન ગોગરી, માલતીબેન લાલન, જૈમિનીબેન કોટક, ઉષાબેન શાહ, નયનાબેન મચ્છર, નેહાબેન ગઢવી, જયાબેન ગણાત્રા અને દેવલબેન ગઢવી અતિથિ વિશેષ તરીકે હાજર રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
સંસ્થાના સભ્યો રમાબેન જોશી, મિનલબેન મહેતા, અપર્ણાબેન વ્યાસ, વર્ષાબેન જોશી, ધારિણીબેન મહેતા, રસીલાબેન રાયચંદા, પુષ્પાબેન રાવરાણી અને પ્રિયાબેન જાની દ્વારા મંચસ્થ મહાનુભાવોનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષ સ્થાનેથી સુજાતાબેન ભાયાણીએ સંસ્થાનો પરિચય આપતા જણાવ્યું હતું કે મહિલાઓના હુન્નરને પ્લેટફોર્મ પૂરું પાડવા માંડવીની તમામ મહિલા સંસ્થાઓએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ. તેમના આ સૂચનને સૌએ આવકાર્યું હતું. મુકેશભાઈ સોલંકી અને ડો. પારૂલબેન ગોગરીએ બહેનોની શક્તિને બિરદાવી દરેક ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવવા હાકલ કરી હતી. આ તકે પશ્ચિમ કચ્છ બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ બનવા બદલ અપર્ણાબેન વ્યાસનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અપર્ણાબેન વ્યાસ અને મિનલબેન મહેતાએ કર્યું હતું જ્યારે આભારવિધિ પ્રિયાબેન જાનીએ કરી હતી. મેળાને સફળ બનાવવા મીતાબેન રાયચુરા, જીયાબેન કોટક, રશ્મિબેન ગુસાંઈ અને યુવા અગ્રણી સ્મિતભાઈ ઠક્કરે ભારે જહેમત ઉઠાવી હતી. માંડવીની જનતાએ મોટી સંખ્યામાં ઉમટી પડી ખરીદી કરી બહેનોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.












