JAMNAGARKalavadKalavadLALPUR

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તથા કાલાવડ સમિતિ દ્વારા પશ્ચિમ ઝોનના 22 ગામોમાં ભવ્ય માં ખોડલ રથયાત્રાનું આયોજન.

21 માર્ચ 2026
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર

શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તેમજ શ્રી ખોડલધામ સમિતિ કાલાવડના સંયુક્ત ઉપક્રમે કાલાવડ તાલુકાના પશ્ચિમ ઝોનના કુલ 22 ગામોમાં માં ખોડલ રથયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર રથયાત્રા તારીખ 21 માર્ચ 2026 થી 25 માર્ચ 2026 દરમિયાન યોજાશે. આ યાત્રા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક જ નહીં પરંતુ માનવસેવા અને સમાજ કલ્યાણના ઉદ્દેશ સાથે પણ જોડાયેલી છે, કારણ કે આ સમગ્ર આયોજન શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના લાભાર્થે કરવામાં આવી રહ્યું છે.આ રથયાત્રાનું પ્રસ્થાન નાની વાવડી ગામથી કરવામાં આવશે. પાંચ દિવસ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન માં ખોડલનો પવિત્ર રથ વિવિધ ગામોમાં ફરી ભક્તોને દર્શન અને આશીર્વાદ આપશે. યાત્રાના પ્રથમ દિવસે, 21 માર્ચ શનિવારે સાંજે 5:00 વાગ્યે ભવ્ય પ્રારંભ કરવામાં આવશે અને પ્રથમ રાત્રિ રોકાણ નાની વાવડી ખાતે રહેશે.બીજા દિવસે, 22 માર્ચ રવિવારે રથયાત્રા નાની વાવડીથી આગળ વધી લક્ષ્મીપુર,મોટી ભગેડી,નાની ભગેડી,દાવલી અને મોરવાડી થઈને લાલોઈ ખાતે રાત્રિ રોકાણ કરશે. ત્રીજા દિવસે, 23 માર્ચ સોમવારે યાત્રા લાલોઈથી ચેલાબેડી, રામપર, રવેશિયા, ડું દેવળિયા અને નાની ભલસાણ થઈને બેરાજા પહોંચશે જ્યાં રાત્રિ રોકાણ કરવામાં આવશે.ચોથા દિવસે, 24 માર્ચ મંગળવારે રથયાત્રા બેરાજાથી આગળ વધી સરાપાદર, બાંગા, કૃષ્ણપુર, ગોલણીયા અને નાગપુર થઈને ખાનકોટડા ખાતે રોકાશે. અંતિમ દિવસે, 25 માર્ચ બુધવારે રથયાત્રા ખાનકોટડાથી મોટી માટલી, ખંઢેરા થઈને બાદનપર ખાતે પૂર્ણ થશે.સમગ્ર યાત્રા દરમિયાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તરફથી મોકલાયેલ માં ખોડલનો પવિત્ર રથ મુખ્ય આકર્ષણ રહેશે, જે ભક્તોમાં અખંડ શ્રદ્ધા અને ભક્તિભાવનું કેન્દ્ર બનશે. દરેક ગામમાં ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જેમાં આરતી, રાસ-ગરબા, પ્રસાદ વિતરણ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહેશે.આ યાત્રામાં અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો જોડાઈને માં ખોડલના આશીર્વાદ પ્રાપ્ત કરશે.આ ભવ્ય રથયાત્રા સમાજમાં એકતા, શ્રદ્ધા અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!